Western Times News

Gujarati News

ખૂંખાર અપરાધીઓને હંફાવતી ક્રાઈમ બ્રાંચ હવે દેશી દારૂ પકડવામાં લાગી

(એજન્સી) અમદાવાદ, ખૂંખાર અપરાધીઓને હંફાવતી ક્રાઈમબ્રાંચ હવે દેશી દારૂના કેસ કરવા લાગી છે, જેની પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગનું આંતરયુદ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં દારૂના ઉપરાછાપરી કેસો કરતા શહેર પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી ઢાંકવા તેમજ ઉચ્ચ અધિકારીઓ ઠપકો આપે નહીં તે માટે શહેર પોલીસ પણ દારૂના કેસો કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. ગઈકાલે ક્રાઈમબ્રાંચે અસારવામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને ૧૪૦ લિટર દેશી દારૂનો કેસ કર્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઈસનપુર, સરદારનગર, સેટેલાઈટ સહિતની જગ્યા પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ ક્રાઈમબ્રાંચે થોડા દિવસ પહેલાં ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેથી દારૂ ભરેલી કાર જપ્ત કરી હતી. આ સિવાય પીસીબીએ પણ ચાંદખેડામાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એજન્સીઓએ કરેલી કામગીરીની અસર પોલીસ સ્ટેશનમાં દેખાઈ હતી, જેથી ગઈકાલે ચાંદખેડા પોલીસે પણ દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પછી શહેર પોલીસ સફાળી જાગી હતી અને ઠેરઠેર દારૂના કેસ કરવાનું શરૂ કરી દીધું હતું.

બોમ્બ બ્લાસ્ટના આતંકી તેમજ ખૂંખાર અપરાધીઓને ઝડપી પાડનાર ક્રાઈમબ્રાંચ પણ હવે દેશી દારૂના કેસો કરવા લાગી છે. ક્રાઈમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે અસારવા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલુ છે. મળેલી બાતમીના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે રેડ કરી હતી. જેથી કેટલાક લોકો ભાગી ગયા હતા અને દિનેશ રાઠોડ નામના આધેડ ઝડપાઈ ગયા હતા. ક્રાઈમબ્રાંચે તેમની પુછપરછ કરી હતી, જેમાં તેમણે કબુલાત કરી હતી કે તેમનો ભાઈ કૌશિક રાઠોડ, ભત્રીજાે ધવલ અને પ્રેમ દારૂનો અડ્ડો ચલાવે છે તેમજ છારાનગરમાં રહેતા સુનીલ ઉર્ફે સકિલ રાજપૂત અને હરેશ છારા દારૂનો જથ્થો આપવા માટે આવે છે.

ક્રાઈમબ્રાંચે ૧૪૦લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે. એસએમસીની ટીમે અમદાવાદમાં ઉપરાછાપરી દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, જેના કારણે અમદાવાદ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા હતા. બે દિવસ પહેલાં એસએમસીની ટીમે વહેલી સવારે સાબરમતી નદીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ત્યારબાદ શહેર પોલીસ કુંભકર્ણની ઉંઘમાંથી જાગી ગઈ હતી અને તેણે દારૂના કેસ કરવાના શરૂ કરી દીધા હતા.

અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને ખબર હોય છે કે તેમની હદમાં કેટલા દારૂના ધંધા ચાલી રહ્યા છે. પોલીસ સ્ટેશનની મહેરબાનીથી આ બધા ધંધા ધમધમી રહ્યા છે, જેના પર એેસએમસી ત્રાટકે છે. જયારે પણ એસએમસી કેસ કરે છે ત્યારે પોલીસની ઉંઘ હરામ થઈ જાય છે. આમ જાેવા જઈએ તો જયારે પણ એસએમસીની કામગીરી થાય ત્યારે અમદાવાદ પોલીસ સીધીદોર થઈ જાય છે અને બુટલેગર્સ પર તવાઈ બોલાવે છે. ખૂંખાર અપરાધીઓને પકડનાર ક્રાઈમબ્રાંચ પણ હવે દેશી દારૂના કેસ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.