Western Times News

Gujarati News

મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત થયા વિનાની રાજકીય જાહેરાત પર પ્રતિબંધ

કોઈપણ રાજકીય પક્ષ-ઉમેદવાર-સંસ્થા કે વ્યક્તિ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વિના જાહેરાત છપાવી શકશે નહિં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે પૂર્વે મંજૂરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરાત અખબારોમાં પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે 

રાજપીપલા,સોમવાર :- ભારતીય ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં અખબારોમાં ભ્રામક અને અપમાનજનક જાહેરાતો પ્રસિદ્ધ થવાથી ચૂંટણીની પ્રક્રિયા તથા ઉમેદવારો પર નકારાત્મક અસર પડતી હોય છે.

ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનના દિવસ તથા તેના એક દિવસ પહેલાંના દિવસે કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા કે વ્યક્તિ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વગરની જાહેરાત અખબારોમાં છપાવી શકશે નહિં.

આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબક્કા માટે તા.૩૦ મી નવેમ્બર અને તા.૧ લી ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કા માટે તા.૪ થી ડિસેમ્બર અને તા.૫ મી ડિસેમ્બરના રોજ એમ ઉપરોક્ત બે-બે દિવસ દરમિયાન એમ.સી.એમ.સી.(મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ) દ્વારા પૂર્વ-પ્રમાણિત(પ્રિ-સર્ટીફિકેશન) કરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરખબરો રાજ્યમાં પ્રકાશિત થતાં કોઈપણ અખબારમાં પ્રસિદ્ધ કરી શકાશે નહિં.

ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે તથા મતદાનના આગળના દિવસે; એમ બે દિવસોમાં કોઈપણ પ્રકારની રાજકીય પક્ષોની જાહેરાત માટે એમ.સી.એમ.સી.ની મંજૂરી ફરજિયાત બનાવી છે. એમ.સી.એમ.સી. પાસેથી પૂર્વ પ્રમાણિત કરીને સર્ટીફિકેટ લેવામાં આવ્યું હોય એવી જ જાહેરાત પ્રસિદ્ધ કરી શકાશે.

મતદાનના દિવસે કે તેના એક દિવસ પૂર્વે જે જાહેરાત પ્રસિદ્ધ કરવાની છે તેની પૂર્વમંજૂરી માટે તે જાહેરાત પ્રકાશિત કરવાના સૂચિત દિવસના બે દિવસ પહેલાં સમક્ષ અરજી કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.