માલપુરમાં જગદીશ ઠાકોરે જાહેર સભામાં ભાજપને આડે હાથે લઈ તેજાબી પ્રહાર કર્યા

(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જાેર લગાવાઈ રહ્યું છે. બાયડ, મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપે દિગ્ગજ નેતાઓમે મેદાને ઉતારી દીધા છે તો હવે મોડે મોડ કાૅંગ્રેસ પાર્ટી દ્વારા દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે.
આ વખતે બાયડ વિધાનસભા બેઠક પર સૌની નજર છે ત્યારે કાૅંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિજય વિશ્વાસ સંમેલન માલપુર ખાતે યોજાયું હતું, જેમાં કાૅંગ્રેસના આગેવાનો તેમજ માલપુર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. માલપુરના રાજેરા તળાવ નજીક જાહેર સભા યોજાઈ હતી જેમાં ભારતીય કાૅંગ્રસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષમાં કંઈ જ ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
કેરલથી આવેલા ગુજરાત કાૅંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશચેન્ની થલ્લા એ ગુજરાત મૉડલ માત્ર વાતો હોવાનું જણાવ્યું હતું, આ સાથે જ વિજય રૂપાણીને કેમ હટાવી દેવામાં આવ્યા તેના પર સવાલો ઉઠાવ્યા હતા. કૉરોનામાં મૃતકોના પરિવારજનોને કાૅંગ્રેસ પાર્ટીએ રૂપિયા ચાર લાખની સહાયની વાત કરી હતી. આ સાથે હાલમાં મોરબીમાં પુલ તુટી પડવાની ઘડનાને લઇને હજુ કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, મોટા માથાઓને ભાજપ છાવરી રહી છે. પ્રાસંગિક પ્રવચનમાં જગદીશ ઠાકોરે ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો લાવતી હોય છે ત્યારે કાૅંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવાની વાત કરી હતી, આ સાથે જ પશુપાલકોને એક લિટર દૂધ પર ૫ રૂપિયા સુધીની સબસિડીની પણ વાત કરી હતી. આ સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ હજાર જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવા સહિત કન્યા કેળવણી નિઃશુલ્ક કરવાની જગદીશ ઠાકોરે વાત કરી હતી.