વડોદરાના સિંધરોટમાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયુ
અમદાવાદ, ગુજરાત એટીએસે વડોદરામાંથી વધુ એક એમ.ડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ૬૩ કિલો કરતા વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ સપ્લાય કરવાનો હતો, તે પહેલા જ ગુજરાત એટીએસે ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી લીધો છે.
એટીએસની ટીમે પાંચેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેઓને વડોદરાની ડ્રગ્સની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા. મુખ્ય આરોપી શૌમિલ પાઠક આ ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. શૌમિલ સહ આરોપી ભરત ચાવડાની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અન્ય આરોપી વિનોદ નિઝામે કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાવી આપ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી શૌમિલ પાઠક અને સલીમ ડોલા મુંબઇની જેલમાં એક સમયે સાથે હતા.
ત્યારે બંનેએ મળીને એમડી ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. શૌમિલ આ તમામ એમડી ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી સલીમને આપવાનો હતો, જે મુંબઇનો રહેવાસી છે. આ અગાઉ બે વખત શૌમિલે મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આરોપો વિનોદ નિઝામ ફેક્ટરીની દેખરેખ કરતો હતો. છેલ્લા સવા મહિનાથી આ ફેક્ટરી ચાલુ થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય બાબત છે કે, અત્યાર સુધીમાં ૪૭૮ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓ ડ્રગ્સ બજારમાં કેટલું વેંચી ચૂક્યા છે.
જાે કે આરોપી શૌમિલ અને મોહંમદ સફી વિરુદ્ધ નાર્કોટિક્સના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ATS દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાની હોવાની શક્યતા છે. જે વડોદરાથી ગુજરાતભરમાં સપ્લાય થવાનું હતું. આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ, સુરત અને કચ્છમાં સપ્લાય કરાયો હતો. ત્યારે ડ્રગ્સ વધુ લોકો સુધી પહોંચે તે પહેલા જ રેડ પાડીને પકડી લેવામાં આવ્યું છે.