Western Times News

Gujarati News

રાજ્યપાલે ઝાડું લગાવી, કચરો ઉપાડી વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે પ્રેરણા આપી

રાજ્યપાલશ્રીએ વર્ગખંડો અને ભોજનાલયની મુલાકાત લીધી : છાત્રાવાસ સંકુલમાં જ્યાં ત્યાં પડેલાં કચરાંને જાતે ઉપાડી નિકાલ કર્યો

છાત્રાવાસમાં વિદ્યાર્થીઓના રૂમમાં જઈને જાત-માહિતી મેળવી : વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સ્વચ્છાગ્રહી બનવા અનુરોધ કર્યો

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લઈને વિદ્યાપીઠની ગતિવિધિઓની જાત માહિતી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત દરમિયાન વિદ્યાપીઠમાં વર્ગખંડો, છાત્રાવાસ, ભોજનાલય અને સ્વચ્છતા સંકુલોમાં જાતે જઈને માહિતી મેળવી હતી.

ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાંધીજીના સપનાંની શ્રેષ્ઠ વિદ્યાપીઠના નિર્માણ માટે સંચાલક મંડળ અને વિદ્યાર્થીઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે વિદ્યાપીઠમાં સ્વચ્છતાની જાળવણી  એ સૌથી પહેલી આવશ્યકતા છે.

રાજ્યપાલશ્રીએ વર્ગખંડોમાં જઈને સ્વચ્છતાની જાળવણી અને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી. છાત્રાવાસમાં રહેતાં વિદ્યાર્થીઓના રૂમમાં પહોંચીને વિદ્યાર્થીઓ દ્વારા રૂમ અને છાત્રાવાસ સંકુલોની સફાઈ બાબતે જાત તપાસ કરી હતી. અને વિદ્યાર્થીઓએ સ્વયંશિસ્ત દાખવી રૂમની તેમજ સંકુલની સફાઈ માટે અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ અનુસ્નાતક છાત્રાવાસમાં જાજરૂ-બાથરૂમ આસપાસની ગંદકીને દૂર કરવા, દિવાલો ઉપરના બાવા- ઝાળાંને સાફ કરવા જાતે ઝાડું લગાવી કચરો એકઠો કર્યો હતો અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે ભોજનાલયની પણ ઓચિંતી મુલાકાત લઈ ‌‌‌અહીંની ભોજન વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થી સંકુલની સ્વચ્છતાને સૌથી પહેલી આવશ્યકતા ગણાવી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે અનુશાસનનો આગ્રહ કર્યો હતો. રાજ્યપાલશ્રીની વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી તેમજ કુલસચિવ શ્રી નિખિલ ભટ્ટ પણ સાથે રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.