મતદાન મથકે અચાનક જ એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને…
લોકશાહીના ચેતનાના ધબકારે હૃદય હુમલાની સારવાર લેતા વિજયભાઈ પવારે કર્યું મતદાન
વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા ૫૬ વર્ષીય વિજયભાઈ પવાર. એમ્બ્યુલન્સ અહીં કેમ ? એ સવાલ સૌ કોઈને મૂંઝવતો હતો.
પરંતુ લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના હુમલાની સારવાર લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું, ત્યારે હાજર સૌ કોઈને એક મત અને પોતાના કિંમતી તથા પવિત્ર મતની કિંમત સમજાઈ.
વિજયભાઈ પવારને ૪ દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા.