Western Times News

Gujarati News

‘વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય એવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો’…

સામાન્ય નાગરિકો સાથે ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન કરી  શકે તે માટે 1,927 મતદાન મથકો પર વ્હીલચેર, 1956 સહાયકોની સુવિધા

અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના રહેવાસી જોરૂભાઈ સાથાભાઈ પટેલના આ વાક્યો છે. રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં તેઓ અત્યાર સુધી ભાગીદાર બનતા આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેઓ મત આપી શકશે કે કેમ તેવી શંકા તેમના મનમાં હતી. જોરૂભાઈના જણાવ્યા પ્રમાણે એક વર્ષ અગાઉ તેમને અકસ્માત નડ્યો હતો.

જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા. પેરાલિસીસને કારણે તેમને દૈનિક ક્રિયાઓમાં પણ મુશ્કેલી નડવા લાગી. પરંતુ ચૂંટણી નજીક આવતા તેમનું મન મત આપવા માટે મક્કમ હતું. 40  વર્ષીય જોરૂભાઈને ધરજી ગામની જ શાળાના સંકુલમાં મતદાન કરવાનું હતું. બૂથ નં 257ના સ્ટાફે તેમનો સંપર્ક કરીને તેઓને શાળા સુધી અને ત્યાંથી ઈવીએમ મશીન સુધી લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી.

તેમને કોઈપણ પ્રકારે અગવડ ન પડે તે માટે સહાયક પણ આપવામાં આવ્યા. આમ, ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે તેમને જાણે પગ આપી દીધા હોય તેવી અનુભૂતિ થઈ. સાથોસાથ તેમના પરિવારજનોએ પણ વ્હીલચેર સહિતની સુવિધાઓ આપવા બદલ ચૂંટણી સ્ટાફ અને ચૂંટણી પંચનો આભાર માન્યો છે.

કંઈક આવો જ અનુભવ રહ્યો સાણંદના વાઘજીપુરાના હંસાબેન વાઘેલાનો. 55 વર્ષીય હંસાબેન પેરેલાઈઝ્ડ હોવાથી હાથ અને પગ કાર્યરત નથી. દૈનિક ક્રિયા માટે પણ તેઓ પરવશ છે. પરંતુ તેઓ મતદાનના હક્કથી વંચિત ન રહે તે માટે સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આંગણવાડી કાર્યકરોએ બિડું ઝડપ્યું. હંસાબેનને સલામતીપૂર્વક વ્હીલચેરમાં બેસાડી વાઘજીપુરા પ્રાથમિક શાળા સ્થિત મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં આવ્યા. જ્યાં તેમણે મતદાન કરીને સંતોષની લાગણી અનુભવી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર ધવલ પટેલ કહે છે કે, અમદાવાદ જિલ્લાના  1,927 મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વળી દિવ્યાંગોને બુથ પર જરૂરી કાર્યવાહી ઉપરાંત EVM સુધી લઈ જવા માટે 1956 સહાયકોની નિયુક્તિ પણ કરવામાં આવી છે.

આ રીત ગુજરાતના તમામ નાગરિકોની જેમ ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન કરી  શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.