સરકારી નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂ.૨૩.૫૦ લાખની ઠગાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Cash-2-1024x768.webp)
પ્રતિકાત્મક
(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરની એક લેડી ડોકટર સાથે બગસરાના ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ મારફત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી બાદમાં તેણીને સરકારી નોકરી અપાવવાની તેમજ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને તેમજ છેલ્લે રાજકોટમાં પોતે ૪૦૦ બેડની હાર્ટ હોસ્?પિટલ શરૂ કરી રહ્યો છે.
તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી કટકે-કટકે કુલ રૂ. ૨૩.૫૦ લાખ મેળવી લઇ ઠગાઇ કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિક અહલાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાદમાં આરોપી હકિકતે ડોક્ટર નહિ પણ ભાડાની દુકાનમાં મોબાઇલ શોપ લે વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હોવાનું ખુલ્યું હતું.
ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે હું તબિબ છું અને હાલમાં નોકરી કરતી નથી. સોશિયલ મિડીયા ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ છે. તા. ૨૬.૦૬.૨૦૨૨ ના રોજ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડો.રાજીવ૨૦૨૧ નામથી રિક્વેસ્ટ આવી હતી. જે મેં સ્વીકારી હતી.
એ પછી તેની સાથે વાતચીત શરૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્પિટલ છે તેમજ હોસ્પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્સ્ટીટયુટ છે તેવું કહ્યું હતું. એટલુ જ નહિ આ હોસ્પિટલ ૭૦૦ બેડની હોવાનું પણ કહ્યું હતું.
ડો. રાજીવે મને કહેલું કે તમારે સરકારી નોકરી જાેઇતી હોય તો મારા ફઇનો દિકરો રાહુલ ગાંધીનગર સરકારી અધિકારી છે તેના મારફત તમને સરકારી ડોક્?ટર તરીકે નોકરી અપાવી દઇશ. પણ આ માટે તમારે રૂ. ૨.૫૦ લાખ ભરવા પડશે. તેની આ વાતમાં મને વિશ્વાસ બેસતાં અને તેણે મને નોકરી અપાવી જ દેશે તેવું વચન આપતાં મેં તેને આ રકમ આપી હતી.