RTE અંતર્ગત બાળકને પાંચ વર્ષની જગ્યાએ હવે છ વર્ષે પ્રવેશ અપાશે
અમદાવાદ, રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈ હેઠળ બાળકોને શાળામાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેથી હવે વાલીઓએ તેમનું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી રાહ જાેવી પડશે, ત્યાર બાદ તેઓ બાળકને આરટીઈ અંતર્ગત પ્રવેશ અપાવી શકશે. આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧માં પ્રવેશ મેળવવા માટે છ વર્ષ પૂર્ણ થયાં હોય તે બાળકને જ હવે આરટીઈ અંતર્ગત પ્રવેશ અપાશે.
અત્યાર સુધી આરટીઈ પ્રવેશ મેળવવા માટે બાળકની વયમર્યાદા પાંચ વર્ષની હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ધોરણ ૧માં પ્રવેશ આપવા માટેના નિયમોમા ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ સ્કૂલ માટે જાહેર કરેલા પરિપત્ર મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર હવે પાંચની જગ્યાએ છ વર્ષની ફરજિયાત કર્યાનું જાણવા મળ્યું છે.
શિક્ષણાધિકારીએ આરટીઈ અંતર્ગત જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, આરટીઈ અંતર્ગત ધોરણ ૧માં પ્રવેશ લેનારાં બાળકો માટે શૈક્ષણિક વર્ષ મુજબ ૧ જૂનના રોજ જે તે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થઈ ન હોય તેને પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી ધોરણ ૧માં પ્રવેશ લેનારાં બાળક માટે ઉમર પાંચ વર્ષની ગણવામાં આવતી હતી, જે હવે છ વર્ષ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે કરેલા ફેરફારો અંગે તમામ પ્રાથમિક શાળાને અગાઉ પણ જાણ કરાઈ હતી. હવે સ્કૂલોએ વાલીઓને સલાહ આપવાની રહેશે કે જાે વાલીઓ બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માગતાં હોય તો જાહેરનામાને ધ્યાનમાં લઈ શાળાઓ દ્વારા અન્ય વિકલ્પ તેમને લેવા પડશે.
આ વિકલ્પમાં જે તે બાળકને પૂર્વ પ્રાથમિક પ્લે ગ્રૂપ, નર્સરી, જુનિયર કે.જી અને સિનિયર કે.જી.માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે છે અને ત્યાર બાદ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે પછી ધોરણ ૧માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરી શકે છે.