હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ બન્યા
શિમલા, સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિમલામાં રિજ મેદાનમાં રાહુલ ગાંધી સહિત પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેમણે રવિવારે સીએમ પદના શપથ લીધા. કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા.
સુખવિન્દર સિંહ સુખુએ આજે હિમાચલ પ્રદેશા ૧૫માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાઈલટ, ભૂપેશ બઘેલ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, રાજીવ શુક્લા, પ્રતિભા સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
શપથ લેતા પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. પ્રતિભા સિંહ સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે પ્રતિભા સિંહ રાજ્યમાં પાર્ટીના મુખિયા છે. તમામ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આથી તેઓ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવા માટે આવ્યા હતા.
પ્રતિભા સિંહે પણ કહ્યું કે સુખુના શપથગ્રહણ સમારોહમાં તેઓ જરૂર સામેલ થશે. સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના પ્રમુખ છે. તેઓ નાદૌન સીટથી ૫મી વખત વિધાયક બન્યા છે. આ વખતે તેમણે ભાજપના વિજય અગ્નિહોત્રીને ૩૩૬૩ મતથી હરાવ્યા છે.
સુખુએ પોતાની રાજકીય કારકિર્દી એક વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. ત્યારે તેઓ સરકારી કોલેજ સંજાેલી, શિમલામાં વિદ્યાર્થી હતા. તેઓ કોલેજ વિદ્યાર્થી સંઘના મહાસચિવ અને અધ્યક્ષ રહ્યા. તેઓ ૧૯૮૯થી ૧૯૯૫ સુધી NSUI ના અધ્યક્ષ રહ્યા.
૧૯૯૯થી ૨૦૦૮ વચ્ચે તેઓ યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા. સુખુ બે વાર શિમલા નગર નિગમના કાર્પોરેટર પણ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ૨૦૧૩માં હિમાચલ કોંગ્રેસના પ્રમુખ પદ સુધી પહોંચ્યા અને ૨૦૧૯ સુધી પ્રદેશ શાખાના પ્રમુખ પદે રહ્યા. મુકેશ અગ્નિહોત્રી સતત ૫વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન વીરભદ્ર સિંહની સરકારમાં ઉદ્યોગ મંત્રી રહ્યા.