Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની કાર્યપ્રણાલીથી ચુંટાયેલા ધારાસભ્યો વાકેફ હોવાથી અધિકારીઓમાં ફફડાટ

સંકલન સમિતિમાં અધિકારીઓ ગોળ ગોળ કે ઉડાઉ જવાબ આપી શકશે નહીઃ વિકાસના કાર્યોમાં વેગ આવશે તેવી અપેક્ષા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના વિકાસ તેમજ નાગરિકોની પ્રાથમિક સુવિધાની ચિંતા કરવા માટે દર મહિને શહેરના સાંસદ સભ્યો અને ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળે છે.

મ્યુનિ. કમિશ્નરના અધ્યક્ષ પદે મળતી આ બેઠકમાં મનપાના તમામ અધિકારીઓ પણ હાજર રહે છે જેમાં પડતર પ્રશ્નો ફરિયાદો તેમજ ભવિષ્યના આયોજન અંગે વિગતવાર ચર્ચા થતી હોય છે છેલ્લી બે ટર્મથી જાેવામાં આવ્યંુ હતું કે શહેરના સાંસદ સભ્યો પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ ગયા હતા.

તેમજ વિકાસ મામલે સંપૂર્ણ નિરસ રહયા હતાં પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી મળનાર સંકલન સમિતિની બેઠકોમાં નક્કર ચર્ચા થાય તેમજ સારા પરિણામો મળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેનુ મુખ્ય કારણ શહેરના ધારાસભ્યોમાં પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સહિત અનેક કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.

રાજય વિધાનસભા ચૂંટણી-ર૦રરમાં અમદાવાદ શહેરની ૧૬ બેઠકો પૈકી ભાજપાએ ૧૪ બેઠકો પર કબજાે મેળવ્યો છે જયારે કોંગ્રેસના ફાળે માત્ર ર બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટીના ૧૪ ધારાસભ્યો પૈકી મોટાભાગના ધારાસભ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મ્યુનિ. કોર્પો. સાથે સંકળાયેલા છે

તેથી તેઓ મ્યુનિ. કોર્પો.ની કાર્યપ્રણાલી અને સ્થાનિક પ્રશ્નોની પૂર્ણ રીતે વાકેફ છે જેના કારણે પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તેમજ વિકાસના કાર્યોમાં વેગ આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ચુંટાયા છે તેમાં શહેરના પૂર્વ મેયર અમિતભાઈ શાહ,

પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટ, વર્તમાન કોર્પોરેટર દિનેશભાઈ કુશવાહ, કૌશિકભાઈ જૈન, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયાનો પણ સમાવેશ થાય છે. તદ્‌ઉપરાંત શહેર મહામંત્રી જીતુભાઈ ભગત તેમજ સંગઠન સાથે સંકળાયેલા અમિત ઠાકર પણ પ્રજાના પ્રશ્નોથી પૂર્ણ રીતે વાકેફ છે તેથી દર મહિને મળનાર સંકલન સમિતિની બેઠકમાં તેઓ પ્રજાના પ્રશ્નોને ઉગ્ર રીતે વાચા આપી શકશે તેમજ ઝડપભેર કામ કરાવી શકશે

તેમ માનવામાં આવે છે. ભુતકાળમાં જાેવામાં આવ્યું હતું કે જે તે ધારાસભ્ય સ્થાનિક કક્ષાએથી ચુંટાયા હોવાથી તેઓ મ્યુનિ.કોર્પો.ના કામથી વાકેફ ન હતા જેના કારણે અધિકારીઓ તેમને ગોળગોળ કે ઉડાઉ જવાબ આપતા હતાં.

પરંતુ આ વખતે મ્યુનિ. કોર્પો.માં પાંચ-પાંચ ટર્મ સુધી સત્તા કે હોદ્દો ભોગવનાર અનુભવી કોર્પોરેટરોએ ધારાસભ્ય પદે ચુંટાયા હોવાથી અધિકારીઓની માનસિકતાથી તેઓ પૂર્ણ રીતે વાકેફ છે તેથી અહીં એક અને એક ૧૧ કરવામાં અધિકારીઓ સફળ નહી થાય તેમ માનવામાં આવે છે.

ર૦૧ર અને ર૦૧૭ની ટર્મમાં પૂર્વના ધારાસભ્યો થોડા મજબુત હતા જયારે પશ્ચિમના ધારાસભ્યો પ્રમાણમાં નીરશ જાેવા મળ્યા હતાં પરંતુ આ વખતે પશ્ચિમમાંથી પૂર્વ મેયર અમિતભાઈ શાહ, ડો. હર્ષદ પટેલ, અમિતભાઈ ઠાકર, જીતુભાઈ ભગત જેવા પ્રજા સાથે સતત સંપર્કમાં રહેનારા નેતાઓ જ ધારાસભ્ય પદે ચુંટાયા

હોવાથી અધિકારીઓમાં એક પ્રકારનો ફફડાટ જાેવા મળી રહયો છે. જાેકે પૂર્વના પટ્ટામાં જાેવામાં આવે તો પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, પૂર્વ ચેરમેન અમુલભાઈ ભટ્ટ તેમજ બે સીટીગ કોર્પોરેટરો ધારાસભ્ય પદે હોવાથી પૂર્વ પશ્ચિમનો સમતોલ અને સર્વાંગી વિકાસ થશે તેવી અપેક્ષા નાગરિકો રાખી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.