બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી વીસ લાખની લૂંટ ચલાવાઈ
અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં વહેલી સવારે લુંટારાઓએ બંદૂકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. લૂંટારુઓ લોકોને ડરાવવા માટે ફિલ્મી સ્ટાઈલથી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઇને નીકળ્યો હતો ત્યારે લૂંટારુઓએ તેનો શિકાર કરી લીધો હતો.
ગાંધીનગરમાં શપથવિધિ કાર્યક્રમ વચ્ચે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે સોમવારે સવારે બાપુનગરમાં લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.
આર.અશોક આંગડિયા પેઢીનો કર્મચારી સવારે વીસ લાખ રૂપિયા ભરેલી બેગ લઇને બાપુનગર ખાતે આવેલી ઓફિસમાં આવ્યો હતો. રૂપિયા લઇને તે પરત જતો હતો ત્યારે બે શખ્સોને તેને બંદૂક બતાવી હતી અને વીસ લાખ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. કર્મચારીએ બૂમાબૂમ કરતાં બંને શખ્સોએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ કરતાંની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાપુનગર પોલીસ તેમજ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે કર્મચારીની ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કર્યાે હતો.
બાપુનગર વિસ્તારમાં આવેલા હીરા બજારમાં ખોડિયાર ચેમ્બરમાં આર.અશોક નામની આંગડિયા પેઢી આવેલી છે જ્યાં લૂંટની ઘટના બની છે. પોલીસ વડાપ્રધાનની સુરક્ષાના બંદોબસ્તમાં વ્યસ્ત હતા ત્યારે બે શખ્સોએ કર્મચારીને બંદૂક બતાવીને વીસ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારી રવિવારે વીસ લાખ રૂપિયા લઈને તેના ઘરે ગયો હતો. સોમવારે સવારે કર્મચારી જ્યારે રૂપિયા લઇને નીકળ્યો ત્યારે બે લૂંટારુઓ તેનો પીછો કરી રહ્યા હતા.
કર્મચારી જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યારે બંને શખ્સોએ તકનો લાભ લઇને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારી પણ શંકાના ડાયરામાં છે કારણે તેની પાસે વીસ લાખ જેટલી માતબર રકમ છે તેની જાણ લુંટારુઓને કેવી રીતે હોઈ શકે છે.
કર્મચારી તેના ઘરેથી નીકળ્યો ત્યારથી લઇને ઓફિસ સુધી પહોંચ્યો તેના સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. આ સિવાય હીરાવાડીમાં આવેલા તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ કબજે કરશે. વીસ લાખની લૂંટના સમાચાર મળતાંની સાથે જ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.