થરાદ યાર્ડમાંથી ૪૬.૪૭ લાખનું જીરૂ ભરીને નીકળેલી ટ્રક સગેવગે
૩૬૪ બોરી જીરૂ ભરી રવાના થયેલી ટ્રક મુન્દ્રા ન પહોંચતાં મુંબઈના વેપારીની ફરીયાદ
થરાદ, થરાદ માર્કેટયાર્ડમાંથી ૪૬.૪૭ લાખનું જીરૂ ભરીને ટ્રક મુદ્રા પહોચાડવાની હતી. પરંતુ મુળ સ્થળે ન પહોચતા માલ મંગાવનાર મુંબઈના વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પડતાં થરાદ પોલીસ મથકે ટ્રાન્સપોર્ટર અને ટ્રક ડ્રાઈવર સામે ફરીયાદ આપી છે. આ અંગેની વિગત એવી છે કે મુંબઈના સાયનમાં આવેલી ગુજરાત સોસાયટીમાં રહેતા વિરેન ભરતભાઈ શાહ છેલ્લા૧૯ વર્ષથી એમ. લલ્લુભાઈ એન્ડ કંપની મુંદ્રા ખાતેના ભાગીદાર
કલ્પના ભરત શાહ ભાગીદારીમાં મસાલા લેવેચ એકસપર્ટનો વેપાર કરે છે. તેઓએ જીરૂ ખરીદી વિદેશમાં એકસપોર્ટ કરવાનું હોવાથી તેમના મહેતા અશોકપુરી કાશીપુરી ગોસ્વામીને થરાદમાં જીરૂ ખરીદવા માટે થરાદ મોકલ્યા હતા. તા.એકથી આઠ ડિસેમ્બર દરમ્યાન થરાદ માર્કેટયાર્ડની અલગ અલગ પેઢીમાંથી રૂા.૪૬૪૭૩ર૩ની કિમતનું ૩૬૪ બોરી જીરૂ ખરીધું હતું. આ જીરૂનાં માલને મુદ્રાના ટ્રાન્સપોર્ટર જય શીયારામના માલીક સુરેશભાઈ રબારીની ટ્રકમાં થરાદ માર્કેટ યાર્ડથી મુંદ્રામાં આવેલી એમ. લલ્લુભાઈ એન્ડ કંપનીમાંથી લઈજવાનું નકકી કરાયું હતું.
નવમી ડીસેમ્બરે સાંજે ટ્રકમાં જીરૂની બોરીઓ ભરવામાં આવી હતી અને રાત્રીના પોણા એક વાગે મુંદ્રા જવા માટે રવાના કરાઈ હતી. બીજા દિવસે ડ્રાઈવરને ફોન કરતાં પહેલાં જવાબ આપ્યો કે, ટ્રક બગડી છે. તે પછીસાંજે ફોન કરતાં ડ્રાઈવરે કહયું કે, સામખ્યારી પહોચ્યો છું અને રાત્રે મુંદ્રા પહોચી જઈશ. જાેકે, ૧૧મી ડીસેમ્બરે સવારે ફોન કરતાં ડ્રાઈવરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.જયારે ટ્રાન્સપોર્ટરે પણ ડ્રાઈવરને ફોન કરી સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું કે પરંતુ ટ્રાન્સપોર્ટરે પણ તે પછી યોગ્ય જવાબ આપ્યો નહોત. આથી મુંબઈના વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં ગાંધીધામ દોડી આવ્યા હતા.
ત્યાં તપાસ કરતાં જય શિયારાામ ટ્રાન્સપોર્ટરના માલીક અને ડ્રાઈવર ભુરાભાઈ રણછોડભાઈ ઢીલા રહે. માધાપર, ભુજ અગાઉ પણ અન્ય સાથે છેતરપિંડી કરી ચુકયાનું જાણવા મળ્યું હતું. આથી જય શિયારામ ટ્રાન્સપોર્ટરના માલીક સુરેશભાઈ રબારી અઅને ટ્રક ડ્રાઈવર ભુરાભાઈ ઢીલા વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે લાખો રૂપિયાના જીરૂની ચોરી અંગે ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.