Western Times News

Gujarati News

ધુડાનગરના વિચરતી જાતિના ૯૪ લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવી કબજા અને સનદ સુપ્રત કરાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર) રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.૧૬ મે-૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ધુડાનગર (કાકર) ગામની મુલાકાત દરમ્યાન વિચ૨તી જાતિ સમુદાયને પ્લોટ આપવા આશ્વાસન આપ્યું હતું. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ગઇકાલ તા.૧૩ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાયેલી તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની બેઠકમાં આવા વિચરતી જાતિના સમુદાયને પ્લોટ આપવાનું નક્કી કરાયું હતું.

જે અંતર્ગત કાકર ખાતેના સરકારી સર્વે નંબર- ૬૧૨ પૈકી હે.આર.એ. ૦૨/૦૨/૩૪ ચો.મી. જમીનમાં ગામતળ નીમ કરી ઊંચા ટેકરાવાળી જમીન હોવાથી તે સમતળ ક૨વા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રૂા.૧,૦૧,૦૦૦/-ની ગ્રાન્ટ ફાળવણી કરેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાંકરેજ દ્વારા આ જગ્યામાં ૪૫ ફુટ લંબાઈ અને ૨૦ ફુટ પહોળાઈ મુજબ પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તે મુજબ તા.૯ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ આદર્શ આચારસંહિતા અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની પ્રક્રિયા પૂર્ણ થતાં તુરંત જ તા.૧૩ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ સાંજે ૦૫ઃ૦૦ કલાકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે કુલ-૯૪ લાભાર્થીઓને મફત પ્લોટની ફાળવણી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર પ્લોટના કબજા અને સનદ સુપ્રત કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.ડી.મહિડા તથા તાલુકા પંચાયતના તમામ સ્ટાફ અને તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ, સર્કલ ઈન્સ્પેકટરશ્રીઓના સહિયારી પુરુષાર્થથી પ્લોટ ફાળવવા અંગે ઉમદા આયોજન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ખુબ જ સારી પ્રસંશનીય કામગીરી કરી કાક૨ના ગરીબ અને વિચરતી જાતિ સમુદાયના લાભાર્થીઓને પ્લોટ ફાળવણી કરતા લાભાર્થીમાં આનંદની લાગણી પ્રસરી છે. પ્લોટ મળેલ લાભાર્થીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ત્વરિત કાર્યોની પ્રસંશા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના જિલ્લા સંયોજકશ્રી નારણભાઇ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.