Western Times News

Gujarati News

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી આધેડનો આપઘાત

મહેસાણા, ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના આપઘાતના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે તળાવમાં કૂદીને આપઘાત કર્યો હતો. તળાવમાં કૂદતાં પહેલાં આધેડે એક ચીઠ્ઠી લખી હતી. તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતાં તેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે પ્રાથમિક રીતે આપઘાતને બદલે આકસ્મિક મોત થયું હોવાનું લખતાં જ ત્યાં ભેગી થયેલી ભીડ ઉશ્કેરાઈ હતી.

લોકોએ જ્યાં સુધી ગુનેગારો સામે સાચી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતકનો દેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના ખેરવા ગામમાં રહેતા મુકેશભાઈ ગણપત યુનિવર્સિટીમાં પ્યૂન તરીક ફરજ અદા કરતા હતાં. તેમણે ખેરવા ગામના તળાવમાં આત્મહત્યા કરી લીધી હતી. ગઈકાલે તળાવમાંથી લાશ મળી આવતાં તેને મહેસાણા સિવિલના પીએમ રૂમમાં ખસેડવામાં આવી હતી.

ત્યારે બહાર ગામલોકોનાં ટોળાંએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા માંગ કરી હતી. પોલીસકર્મીએ પંચનામામાં આકસ્મિક મોત થયું હોવાનું લખતાં ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે છેવટે મૃતકની દીકરીની ફરિયાદ આધારે વ્યાજખોર ગાંડા રબારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મૃતક મુકેશ પટેલે આપઘાત કરતાં પહેલાં જે ચીઠ્ઠી લખી હતી. તેનો મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. આ મોબાઈલ દ્વારા જ તેમના પરિવારને આપઘાતની જાણ થઈ હતી.

આ ચીઠ્ઠીમાં મૃતકે લખ્યું હતું કે, મેં રબારી ગાંડાભાઈ જાેડેથી એક લાખ રૂપિયા લીધા હતા. મેં હપ્તે હપ્તે ત્રણ લાખ ત્રીસ હજાર આપી દીધાં છે છતાં તે પાંચ લાખ રૂપિયા મારી પાસે માગે છે. આજે મને રૂબરૂમાં ઘર પડાવી લેવાની ધમકીઓ આપે છે અને જાે મારા રૂપિયા નહીં આપે તો મને મારી નાખવાની ધમકીઓ આપે છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.