પંખીઘરના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલભાઇ પટેલનું જીવદયા માટે સરાહનીય કાર્ય
(પ્રતિનિધિ)બાયડ, મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથકમાં આવેલા દોલપુરા ગામના વતની અને હાલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્થાઈ થયેલા પંખીઘરના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલભાઇ ગીરીશભાઇ પટેલ પોતાના વ્યવસાયની સાથે સાથે શાળાઓ તેમજ જાહેર સ્થળો પર ભેટ સ્વરૂપે પંખીઘરનું વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે, તેમજ પ્રફુલભાઇ અને તેમનો પરિવાર જન્મદિવસ તથા તહેવાર નિમિત્તે સગા સબંધી મિત્ર વર્તુળોમાં તથા જાહેર સ્થળો પર પંખીઘરનું નિઃશુલ્ક વિતરણ કરી ઉજવણી કરે છે, તેમજ સગા સબંધી કે મિત્રોના ત્યાં સારા નરસા પ્રસંગોમાં પણ સુંદર પંખીઘર ભેટ સ્વરૂપે આપી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે અને તેમના આ કાર્યથી પ્રેરાઈને અનેક પરિવારો હવે સારા નરસા પ્રસંગોમાં પંખીઘર ભેટ સ્વરૂપે આપી જીવદયાના ઉમદા કાર્યમાં જાેડાઈ રહ્યા છે.
પ્રફુલભાઇ તાજેતરમાં પોતાના વતન દોલપુરા ખાતે ગયા હતા, ત્યારે ત્યાં પણ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન તેમણે શાળામાં પંખીઘર ભેટમાં આપી બાળકોને પક્ષીઓના જતન માટે પ્રેરણા પૂરી પાડી હતી. નજીકમાંજ ૧૪ મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) નો પર્વ આવી રહ્યો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી બાદ લોકો દ્વારા નકામી દોરીઓ મકાનના ધાબા પર, વૃક્ષો ઉપર કે વીજળીના તાર પર આમ તેમ છોડી દેવામાં આવે છે જેથી મકરસંક્રાંતિના પર્વ પછી પણ આમ તેમ પડી રહેલી દોરીઓમાં ફસાવાથી અનેક નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવાય છે ત્યારે જીવદયા માટે કાર્યરત અનેક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા આમતેમ પડી રહેલી દોરીઓ એકઠી કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે, ત્યારે વધુમાં વધુ લોકો જીવદયાના કાર્યમાં જાેડાય તે હેતુથી પ્રફુલભાઇએ મકરસંક્રાંતિના પર્વની ઉજવણી બાદ રસ્તામાં, મકાનના ધાબા પર, વૃક્ષો પર કે કોઈ પણ જાહેર સ્થળો પર રઝળી રહેલી દોરીઓ એકઠી કરી તેમની દુકાન ‘ નાઇસ એન્ટરપ્રાઈઝ’ માં જમા કરાવી બદલામાં સુંદર પંખીઘર આપવાની જાહેરાત કરી જીવદયાનું ઉમદા કાર્ય કર્યુ છે.