વિદેશી યુવતીએ પ્રેમી સાથે મળી પતિની ઓફિસમાં હોબાળો મચાવ્યો
અમદાવાદ, શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈ કાલે પતિ તેની ઓફિસમાં હાજર હતો ત્યારે મૂળ તજાકિસ્તાનની પત્ની તેના પ્રેમીને લઈ આવી હતી અને હોબાળો મચાવ્યો હતો.
પ્રેમીએ પ્રેમિકાના પતિને ધમકી આપી હતી કે હું તારી પત્નીને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે તો તું એને છોડી દે, નહીંતર હું તારો ધંધો બંધ કરાવી નાખીશ. ચૂપચાપ તારી પત્નીના વિઝા એક્સટેન્શનના જરૂરી કાગળો આપી દે, નહીં તો તને જાનથી મારી નાખીશ.
સાઉથ બોપલમાં આવેલા સફળ પરિસરમાં રહેતા અને મૂળ નવી દિલ્હીના કપિલ શર્માએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં મુસૈફ યુસુફખાન પઠાણ વિરુદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. કપિલ શર્મા કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે અને તેમની એસ.જી હાઈવે પર ઓફિસ આવેલી છે.
કપિલ શર્માએ વર્ષ ૨૦૦૮માં બુસ્તોન નામની તજાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ બુસ્તોને પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. એક વર્ષથી બુસ્તોન સાથે કપિલને અણબનાવ હોવાથી બંને અલગ રહે છે. બુસ્તોન તજાકિસ્તાનની હોવાથી દર વર્ષે દેશમાં રહેવા માટે વિઝા એક્સટેન્ડ કરાવવા પડે છે. કપિલ શર્મા પાસે બીએમડબ્લ્યુ કાર છે, જે છેલ્લા ઘણા સમયથી બુસ્તોન વાપરે છે. બુસ્તોન બાળકો સાથે અલગ રહે છે અને કપિલ શર્માના રજિસ્ટરનું સિમકાર્ડ વાપરે છે.
થોડા સમય પહેલાં કપિલને હકીકત જાણવા મળી હતી કે બુસ્તોન પુત્રી અને પુત્રનું ધ્યાન રાખતી નથી અનો મોડી રાત સુધી એકલી બહાર ફરવા માટે નીકળી પડે છે. ગઈ કાલે કપિલ શર્મા પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે બુસ્તોન અને તેનો મિત્ર યુસૈફ યુસુફખાન પઠાણ આવ્યાં હતાં.
કપિલ શર્માને જાેઈ મુસૈફ પઠાણ ઉશ્કેરાયો હતો અને કહેવા લાગ્યો હતો હું તારી પત્નીને પ્રેમ કરું છું. અને તે પણ મને પ્રેમ કરે છે તો તું એને છોડી દે, નહીંતર હું તારો બધો ધંધો બંધ કરાવી નાખીશ. ચૂપચાપ તારી પત્નીના વિઝા એક્સટેન્શનના જરૂરી કાગળો આપી દે, નહીં તો તને જાનથી મારી નાખીશ. બંને ઓફિસથી જતા રહ્યાં હતાં.
ત્યાર બાદ કપિલ શર્માએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આનંદનગર પોલીસ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.