કેન્યામાં ખંભાળિયાના યુવકની હત્યા કરવામાં આવી
અમદાવાદ, કેન્યામાં એક ગુજરાતી યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની અને કેન્યામાં સ્થાયી થયેલ યુવાન કેતન હિંમતલાલ શાહ નામના મહાજન યુવાનની કેન્યામાં ગોળીબારમાં હત્યા થઇ હોવાની જાણકારી સામે આવી રહી છે. બનાવની જાણ થતાં વતન ખંભાળિયામાં પરિવાજનો સહિત આખા પંથકમાં શોક ફેલાઈ ગયો છે.
ઉપરાંત કેન્યામાં રહેતા ગુજરાતીઓએ પણ હત્યારાને ઝડપી પાડવા સ્થાનિક પોલીસને માંગ કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતન ગઈકાલે સોમવારે તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા.
ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે ધસી આવેલા એક શખ્સે વેપારી પુત્ર કેતન ઉપર ગોળીઓ છોડી હતી. આ ફાયરિંગમાં યુવાનને ગોળી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ફાયરિંગની ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જાે કે, બંદૂકધારી શખસ બાઈક પર નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં ગુજરાતીઓની હત્યાની ઘટનામાં છેલ્લા ઘણા સમયથી વધારો થયો છે.
તાજેતરમાં તો ન્યૂઝીલેન્ડમાં એક ગુજરાતીની હત્યાની ઘટના બની હતી. નવેમ્બર મહિનામાં મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામના અને હાલ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા ૩૨ વર્ષીય જનક પટેલની લૂંટારાઓએ હત્યા કરી હતી.
ઓકલેન્ડ ખાતે આવેલી એક દુકાનમાં લૂંટારાઓ ત્રાટક્યા હતા. મિત્રની દુકાનમાં લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ ડોલરની માગ કરતી વેળા તેમનો વિરોધ કરવા જતાં પત્નીની નજર સામે જ ભારતીય યુવકને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.SS1MS