Western Times News

Gujarati News

GCCI: દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય હોય તો એ ગુજરાત છે : મુખ્યમંત્રી

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય  ઉપસ્થિતિમાં GCCIનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો-ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલ

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દરેક ક્ષેત્રે વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તમે તમારી જવાબદારી નિભાવી છે હવે અમે અમારી જવાબદારી નિભાવીશું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે ભરોસો તમે અમારા પર મૂક્યો છે એ ભરોસો તૂટવા નહિ દઈએ.

વધુમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય હોય તો તે આપણું ગુજરાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્યોગ જગતમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. વાઇબ્રન્ટ થકી અનેક મોટા ઉદ્યોગો આજે ગુજરાત આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરક્ષાની દૃષ્ટિએ પણ ગુજરાત આજે નંબર વન પર છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુ ઉમેરતા કહ્યું હતું કે, આજે તમામ નાના મોટા ઉદ્યોગો અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતે ઉત્કૃષ્ઠ કામ કર્યું છે.

આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ગુજરાત એ વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતનું વિકાસ મોડેલ આજે અનેક રાજ્યો અપનાવી રહ્યા છે.

આ સમારોહમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી પથિક પટવારી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજય પટેલ તથા GCCIના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.