તરૂણ પેઢી અભૂતપૂર્વ રીતે બગડી કેમ રહી છે ?
તાજેતરમાં દેશના વિવિધ શહેરોમાં તરૂણો દ્વારા કરવામાં આવેલા કારનામાઓએ માતાપિતા સહિત શિક્ષકો અને સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા છે. આવી કેટલીક ઘટનાઓની વાત કરીએ તો બેંગલુરુની એક શાળામાં મોબાઈલ શોધવા વિદ્યાર્થીઓના દફતર તપાસવામાં આવ્યા ત્યારે તેમાંથી કોન્ડોમ્સ, ગર્ભનિરોધક ગોળીઓ, સિગારેટો, લાઈટર જેવી વસ્તુઓ મળી આવી હતી. આ કિસ્સો બહાર પડ્યો ત્યારે શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને સંબંધિત વિદ્યાર્થીઓના માતાપિતા પણ સ્તબ્ધ બની ગયા હતા. એટલું જ નહીં, આ વયના સઘળા સંતાનોના માબાપ ચિંતામાં પડી ગયા છે.
રાયપુર પાસે બનેલા અન્ય એક નિર્મમ કેસમાં એક કિશોરે મોબાઈલ પર અશ્લીલ ફિલ્મ જાેયા પછી પડોશમાં રહેતી ૧૦ વર્ષની કન્યા પર બળાત્કાર ગુજાર્યો અને પીડિતા કાંઈ બોલી ન શકે એટલે તેની હત્યા પણ કરી નાખી. આટલું ઓછું હોય તેમ આ હત્યાને તેણે આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.
હૈદરાબાદના એક હીચકારા કૃત્યમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતાં પાંચ છોકરાઓએ એક તરૂણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને એ ઘટનાને મોબાઈલમાં શૂટ પણ કરી લીધી.
હદ તો ત્યારે થઈ ગઈ જયારે મેરઠની એક શાળામાં વિદ્યાર્થીઓના એક જૂથે શિક્ષકને આઈ લવ યુ કહીને તેમની છેડતી કરતો વિડિયો પણ બનાવ્યો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ પણ થયો.
આવી ઘટનાઓ અખબારોના મથાળા સર કરે ત્યારે એમ થાય કે આધુનિક તરૂણોને થઈ શું ગયું છે? અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ઉંમરે તેઓ આવી ગુનાહિત પ્રવૃતિઓમાં શા માટે રાચવા લાગ્યા છે ? એક સમયે ગણ્યાગાંઠ્યા યુવાનો જે અપરાધને અંજામ આપતાં તે ગુનાઓ હવે કિશોરાવસ્થામાં રહેલા છોકરાઓમાં ઝપાટાભેર સામાન્ય થવા લાગ્યા છે તેના કારણો શા? અને તેને અટકાવવા શી રીતે ?
નિષ્ણાતો કહે છે કે આવી ઘટનાઓ વધવાનું સૌથી મોટું અને સામાન્ય કારણ છે મોબાઈલમાં હાથવગી થયેલી ઈન્ટરનેટની સુવિધાનો દુરુેપયોગ મનોચિકિત્સકોના મતે મનોરંજન માટે ડિજિટલ વિશ્વમાં મોજુદ કન્ટેન્ટની બાળકો તેમ જ તરૂણો પર ઘેરી અસર પડે છે. જયારે મોબાઈલ પર ઈન્ટરનેટની સુવિધા નહોતી ત્યારે આ પેઢીને અશ્લીલ કન્ટેન્ટ જાેવા નહોતા મળતા. પણ હવે પોર્ન સાઈટસ પણ આસાનીથી જાેવા મળતી હોવાથી કિશોરાવસ્થામાં રહેલા છોકરાઓ પણ તે ચોરીછૂપી જાેવા લાગ્યા છે.
તદુપરાંત આ વયમાં દેખાદેખી કરવી સહજ છે. જાે કોઈ એક કિશોર કાંઈ ખોટું કરતો હોય તોય અન્ય તરૂણો તેમ કરવા પ્રેરાતાં હોય છે. જેમ કે ધૂમ્રપાન કરવું, આલ્કોહોલનું સેવન કરવું, છોકરીઓની છેડતી કરવી ઈત્યાદિ. વાસ્તવમાં ૧રથી ૧૮ વર્ષની વય એટલે બાળપણ અને યુવાની વચ્ચેનો તબકકો, આ વયમાં જે તે તરૂણ-તરૂણીઓને એમ લાગે છે કે તેઓ મોટા થઈ ગયા છે અને તેમને બધું આવડે છે.
જયારે હકીકતમાં આ ઉંમરમાં તેમનો માનસિક વિકાસ પ્રમાણમાં શારીરિક વિકાસ કરતાં ધીમો હોય છે. પરિણામે તેઓ કોઈપણ કામ અન્યોના પ્રભાવમાં આવીને કે પછી દેખાદેખીમાં કરતા હોય છે. વળી ડિજિટલ એકસપોઝર વધવાને પગલે તેઓ સર્ચ એન્જિન પરથી જ એટલું બધું જાણી લે છે કે તેમને બીજા કોઈનું માર્ગદર્શન લેવાની આવશ્ય્કતા જ નથી જણાતી. મોબાઈલ અને અન્ય ઉપકરણો પણ પાસવર્ડથી સુરક્ષિત કરી શકાતાં હોવાથી તેઓ શું જુએ છે અને શું નહી તે છુપું રાખવામાં પણ તેમને જરાય મુશ્કેલી નથી પડતી.
જયારે કોઈ કામ સંતાડીને કરવામાં આવે ત્યારે તેમાં કાંઈક ખોટું થઈ રહ્યાની લાગણી સમાયેલી હોય તે સ્વાભાવિક છે જ કિશોરો-કિશોરીઓ પોર્ન સાઇટસ જાેતાં હોય છે તેમને સારી રીતે જાણ હોય છે કે તે ન જાેવી જાેઈએ. તેથી જ તેઓ આવા કન્ટેન્ટ ચોરીછૂપી જૂએ છે. જાે તેઓ કાંઈ ખોટું ન કરી રહ્યા હોય તો તમે તે કામ સંતાડીને કરવાની શી જરૂર પડે ? આમ છતાં વિડંબણા એ છે કે તેમના મનમાંથી સમાજનો ડર ખતમ થઈ ગયો છે. મનોચિકિત્સકો કહે છે કે મોટાભાગના માતાપિતા એવી ફરિયાદ કરતાં સાંભળવા મળે છે કે તેમના સંતાનો મોબાઈલ અને સોશ્યલ મીડિયાને કારણે બગડી રહ્યાં છે. આ વાતમાં તથ્ય હોવા છતાં તે સોળ આના સાચી નથી.
આનું કારણ સમજાતા તેઓ કહે છે કે આજની તારીખમાં પેરન્ટિંગ નબળું પડી રહ્યું છે. સંયુક્ત કુટુંબો લગભગ તૂટી ગયા છે. વધતી જતી મોંઘવારીમાં બંને છેડા મેળવવા માતાપિતા બંને નોકરી- વ્યવસાયાર્થે દિવસનો મોટોભાગ ઘરથી બહાર રહે છે. એટલું જ નહી, આર્થિક રીતે સધ્ધર હોય એવા કુટુંબની મહિલાઓ પણ એમ કહીને નોકરી-વ્યવસાય કરતી હોય છે કે જાે તેઓ આર્થિક રીતે પગભર ન થાય તો તેમનો ઉચ્ચ શિક્ષણ લેવાનો અર્થ શો ? આવી સ્થિતિમાં તેઓ સંતાનો પર પૂરતું ધ્યાન નથી આપી શકતાં. ઈન્ટરનેટ હાથવગું હોવાથી બાળકો- કિશોરોમાં સેકસ પ્રત્યેની ઉત્સુકતા વધી રહી છે. અને આપણા સમાજમાં હજી પણ આ વિષય પર વાત કરવાનું ચલણ નથી.
પરંતુ બદલાતા સમય સાથે તરૂણાવસ્થામાં પ્રવેશતા છોકરા-છોકરીઓ માટે સેકસ એજયુકેશન જરૂરી છે. સેકસનું શિક્ષણ અન્ય વિષયોની જેમ જ આપવામાં આવે તે પરિવર્તિત સમયની માગ છે. અલબત્ત, આનો અર્થ એવો નથી થતો કે સેકસ એજયુકેશન આપવાથી માતાપિતા- શિક્ષકોની જવાબદારી પૂરી થઈ જાય છે. ખરેખરતો માતાપિતા પોતાના સંતાનોને પૂરતો સમય આપે તે પણ આધુનિક સમયની માંગ છે.
મોટાભાગે એવું બને છે કે ચોકકસ બાબતો બાળકોથી છુપાવવામાં આવે છે. ખાસ કરીને સેકસને લગતી. અને જયારે કોઈ વત સંતાડવામાં આવે ત્યારે તે વધુ જિજ્ઞાસા પેદા કરે છે. આવી સ્થિતિમાં જાે માબાપ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસિત કરે તો કિશોરાવસ્થામાં આવેલા સંતાનો તેમની સાથે પેટછુટી વાત કરી શકે. તેઓ પોતાની સમસ્યાઓનું સમાધાન મિત્રો પાસે કે ઈન્ટરનેટ પરથી શોધવાનો પ્રયાસ ન કરે.
સાથે સાથે તેમના સંતાનો મોબાઈલ કે કમ્પ્યૂર પર શું જુએ છે તેની પણ તેમને જાણ હોવી જાેઈએ તેવી જ રીતે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે એવા સંબંધો કેળવવા જાેઈએ કે તેઓ પોતાની મુંઝવણ નિઃસંકોચપણે તેમની સામે રજુ કરી શકે. આમ છતાં આવું શક્ય ન બને તો કડક હાથે કામ લેવામાં પણ પાછીપાની ન કરવી જાેઈએ. મનોચિકિત્સકો કિશોરાવસ્થામાં રહેલા છોકરા-છોકરીઓમાં વધી રહેલા ‘સ્કોરિંગ’ ના ચલણ વિશે પણ ચિંતા વ્યકત કરતાં કહે છે કે કયા કિશોરની કેટલી ગર્લફ્રેન્ડ છે, તે કેટલી વખત ફિઝિકલી ઈન્ટિમેટ થાય છે તેની ગણતરી રાખવામાં આવે છે અને તે મુજબ તેને સ્કોર આપવામાં આવે છે.
જે તરૂણની ગર્લ્ ફ્રેન્ડ વધારે હોય અને જેણે સૌથી વધુ વખત શારીરિક સંબંધો બાંધ્યા હોય તેની સ્કોર પોપ્યુલારિટી વધુ હોય છે. અને જે કિશોર આ બાબતે પાછળ હોય તેને સંબંધિત જૂથમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તે એકલો પડી જઈને ડિપ્રેશનમાં આવી જાય છે. ચોંકાવનારી બાબત એ છે કે શાળાના વોશરૂમ્સમાં ઈન્ટિમસીની ઘટનાઓ વધી રહી છે. બહેતર છે કે આવી જગ્યાઓએ ચાંપતી નજર રાખવામાં આવે. અગાઉ શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગ નિયમિત રીતે તપાસવામાં આવતી હતી. પણ હવે આ પ્રથા ઝંખવાઈ રહી છે.
સ્વાભાવિક રીતે જ તરૂણ-તરૂણીઓ જે વસ્તુ ઘરમાં સંતાડીને નથી રાખી શકતાં તે પોતાની સ્કુલ બેગમાં છૂપાવે છે. આવી સ્થિતિમાં તેમની સ્કુલ બેગ્સ અવારનવાર તપાસવામાં આવે તે પણ સમયની માંગ છે. છેલ્લા કેટલાક સમયમાં બનેલી ઘટનાઓ સમાજ સામે લાલબતી ધરી રહી છે. હજી પણ આપણે આંખ નહી ઉઘાડીએ તો આગળ જતાં શું થશે તેની કલ્પના કરવી ખાસ મુશ્કેલ નથી.