પ્રમુખસ્વામીએ સાબરમતીથી લઈને ઈંગ્લેન્ડની થેમ્સ નદીના કિનારા સુધી શિક્ષણ સેવાઓની ભાગીરથી વહાવી
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૬૫થી શૈક્ષણિક કાર્યની શરૂઆત આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય શરૂ કરીને કરી હતી.
૩૦ કરતાં પણ વધારે શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરીને પ્રતિ વર્ષ ૧૭૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ સંકુલોમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે
॥ શ્રીસ્વામિનારાયણો વિજયતે॥ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું શૈક્ષણિક કાર્ય
“शैशवेऽभ्यस्तविधानां” – નાની ઉંમરમાં ભણનારા એમ કહી, પ્રાચીન કવિઓએ નાની ઉંમરમાં વિદ્યાસંપાદન કરવા પર ભાર મૂક્યો છે. આજના સ્પર્ધાત્મક જમાનામાં તો વિદ્યાભ્યાસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. જીવનનિર્વાહ માટે પણ શિક્ષણ અતિઆવશ્યક બની ગયું છે.
એક ચિંતક કહે છે કે, ‘Learning leads a man to personality and this paves a way to wealth.’ અર્થાત્ અભ્યાસથી વ્યક્તિત્વ ચમકદાર બને છે અને એ સંપત્તિનો માર્ગ ખોલી આપે છે. વળી, ‘If you think education is expensive, try ignorance.’ જો અભ્યાસ ખર્ચાળ લાગતો હોય તો અજાણતા અજમાવી જુઓ. પણ સરવાળે તો નિરક્ષરતા વધુ મોંઘી સાબિત થાય છે.
આમ જીવનનિર્વાહ માટે, વ્યક્તિત્વ વિકાસ માટે અને ધનપ્રાપ્તિ માટે અભ્યાસ જરૂરી છે એમ જણાઈ આવે છે.
પ્રમુખસ્વામી મહારાજ છેલ્લા છ દાયકાઓથી લોકહૃદયમાં આધ્યાત્મિક મૂલ્યોનું પ્રસારણ કરવાના મોક્ષદાયી કાર્ય સાથે માનવસેવાના પ્રત્યેક ક્ષેત્રમાં માનવ-ઉત્કર્ષ માટે પ્રવૃત્ત રહ્યા હતા. સમાજ-ઉત્થાનનાં અનેક ક્ષેત્રોમાં સેવાઓ આપીને તેઓએ જન-જનનું જીવન ઉજ્જ્વળ અને ગૌરવવંતું કર્યું છે. તેમાનું એક સેવાકાર્ય છે – સંસ્કારયુક્ત શિક્ષણ.
‘પ્રવર્તનીયા સદ્વિદ્યા’ ભગવાન સ્વામિનારાયણના આ આદેશાનુસાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સાબરમતીથી લઈને ઈંગ્લેન્ડની થેમ્સ નદીના કિનારા સુધી શિક્ષણ સેવાઓની ભાગીરથી વહાવી છે.
પ્રમુખસ્વામી મહારાજનાં શૈક્ષણિક કાર્યો –
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૬૫થી શૈક્ષણિક કાર્યની શરૂઆત વલ્લભવિદ્યાનગરમાં કરી, અને ત્યારથી લઈને આજ સુધી ૩૦ કરતાં પણ વધારે શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરીને સમાજને સુશિક્ષણના માર્ગે આગળ ધપાવ્યો છે. આજે પ્રતિવર્ષ ૧૭૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ સંકુલોમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે જેમાંથી ૧૧૦૦૦ વિદ્યાર્થીઓના આવાસની જરૂરિયાત પણ છાત્રાલયો દ્વારા પૂરી પાડવામાં આવી છે.
ક્રમાંક | વર્ષ | સ્થાન | સંકુલ પ્રકાર | સ્કૂલ | છાત્રાલય |
1 | 1965 | વલ્લભવિદ્યાનગર | છાત્રાલય | 500 | |
2 | 1967 | ગોંડલ | વિદ્યામંદિર | 3127 | 981 |
4 | 1983 | વડોદરા | છાત્રાલય | 200 | |
5 | 1984 | ભાદરા | માધ્યમિક શાળા | 150 | |
6 | 1985 | ઉકાઈ | છાત્રાલય | 84 | 84 |
7 | 1988 | ભાવનગર | છાત્રાલય | 255 | |
8 | 1991 | નડિયાદ | છાત્રાલય | 360 | |
9 | 1991 | ચાણસદ | પ્રાથમિક શાળા | 70 | |
10 | 1992 | લંડન | ઇન્ડિપેન્ડન્ટ હિન્દુ સ્કૂલ | 450 | |
11 | 1993 | માઉન્ટ આબૂ | પ્રાથમિક શાળા અને છાત્રાલય | 372 | 118 |
12 | 1994 | મહેસાણા | છાત્રાલય | 130 | |
13 | 1997 | નાગપુર | શાળા અને છાત્રાલય | 2200 | |
14 | 2000 | કરમસદ | રેસિન્ડૅન્શિયલ શાળા | 475 | 475 |
15 | 2001 | સારંગપુર | પ્રાથમિક અને માધ્યમિક રેસિન્ડૅન્શિયલ શાળા | 2500 | 2500 |
16 | 2003 | સેલવાસ | શાળા | 1216 | |
17 | 2004 | બેંગલુરુ | છાત્રાલય | 65 | |
18 | 2005 | વડોદરા | શાળા | 1600 | 1600 |
19 | 2006 | વલસાડ | શાળા | 2400 | 610 |
20 | 2006 | રાયસણ | રેસિડૅન્શિયલ શાળા | 1040 | 185 |
21 | 2008 | જૂનાગઢ | છાત્રાલય | 100 | |
22 | 2008 | બારડોલી | છાત્રાલય | 322 | |
23 | 2008 | ભાણગઢ | છાત્રાલય | 210 | 70 |
24 | 2008 | રાણપુર | છાત્રાલય | 250 | |
25 | 2009 | રાજકોટ | છાત્રાલય | 186 | |
26 | 2009 | ખેરવા | છાત્રાલય | 185 | |
27 | 2009 | આદિપુર | છાત્રાલય | 180 | |
28 | 2011 | રંભાસ | આશ્રમશાળા | 220 | 140 |
29 | 2016 | રાંદેસણ | રેસિડેન્શિયલ શાળા | 800 | 800 |
કુલ છાત્રો | 16914 | 10296 |
૧. વિદ્યાર્થી સંકુલો – છાત્રાલયો
શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતા વિશાળ અને સુવિધાસજ્જ અદ્યતન વિદ્યાર્થી સંકુલો – છાત્રાલયો ઠેર ઠેર ખડાં કરીને સ્વામીશ્રીએ એક નિરાળું શિક્ષણ-વાતાવરણ અહીં રચ્યું છે. હજારો વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કરતા તથા અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી ગતિશીલ આ અદ્ભુત વિદ્યાર્થી સંકુલો –
શ્રી અક્ષરપુરુષોત્તમ છાત્રાલયો વિદ્યાર્થીઓ માટે સ્વર્ગ સમાં છે : વલ્લભવિદ્યાનગર ઉપરાંત નડિયાદ, વડોદરા, સુરત, ભાવનગર, મહેસાણા, ઉકાઈ, ગોંડલ, માઉન્ટ આબુ, ધુલિયા, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ આ ઉપરાંત, જામનગર જેવા સ્થળોમાં આવા વિદ્યાર્થી સંકુલો આયોજન અને નિર્માણ હેઠળ છે.
ધોરણ ૧૧ – ૧૨, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, કોમર્સ અને મેનેજમેન્ટ તથા આર્ટ્સ વગેરે વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દરેક છાત્રાલયનું વ્યવસ્થા ધોરણ ઉચ્ચ રહે તે માટે સતત ખૂબ જ પુરુષાર્થ કર્યો છે.
દરેક છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ઘરથી દૂર એક પવિત્ર ઘરનો અહેસાસ થાય, આવાસ ને ભોજનની સાથે શિક્ષણને પ્રોત્સાહન આપતી અન્ય તમામ આનુષંગિક વ્યવસ્થાઓ પણ ઉત્તમ કક્ષાની હોય – એવો પ્રમુખસ્વામી મહારાજનો હંમેશાં આગ્રહ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી છેલ્લાં ૫૦ વર્ષમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની શિક્ષણ સેવાઓએ અનેક યશસ્વી માઈલસ્ટોન રચ્યા છે.
૨. પ્રાથમિક – માધ્યમિક શાળાઓ –
ગુજરાતનાં આદિવાસી ગામડાંઓથી લઈને આસામ સુધી દેશ – વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજે કેટલીય આદર્શ પ્રાથમિક – માધ્યમિક શાળાઓ સ્થાપી છે, એટલું જ નહીં, તેઓની પ્રેરણા અને સહાયથી આપણી સંસ્થા ઉપરાંત અન્ય કેટલીય સંસ્થાઓ દ્વારા આવી શિક્ષણ પ્રવૃત્તિઓ સંચાલિત થઈ રહી છે.
પછાતો અને પીડિતો માટે પણ શાળાઓ કરવામાં આવી છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રદાન કરતી આ શાળાઓમાં જ્ઞાનજીવનદાસજી હાઈસ્કૂલ, ગોંડલ. સ્વામિનારાયણ હાઈસ્કૂલ, ભાદરા (જિ. જામનગર). પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (નાયકા, સારંગપુર, ચાણસદ…) તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરો (અટલાદરા, સેલવાસ, તીથલ, સારંગપુર, રાયસણ…) અક્ષરપુરુષોત્તમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બદલપુર. વગેરે સમાવિષ્ટ છે.
૩. ઉચ્ચતર શિક્ષણ સેવાઓ
પ્રમુખસ્વામી મહારાજે ઉચ્ચતર શિક્ષણ સેવાઓમાં પણ અનન્ય પ્રદાન આપીને અસંખ્ય વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજાળી છે. સંસ્થા દ્વારા સ્થાપિત તેમજ સંસ્થાની સહાયથી અન્ય દ્વારા સંચાલિત આ ઉચ્ચતર અભ્યાસક્રમોની એક યાદી આ પ્રમાણે છે –
- આર્ષ : અક્ષરધામ સેન્ટર ફોર એપ્લાઈડ રિસર્ચ ઇન સોશ્યિલ હાર્મની, ગાંધીનગર.
- પ્રમુખસ્વામી ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી વડોદરા ધુલિયા અમદાવાદ સેલવાસ આદિવાસી બાળકો આધુનિક શિક્ષણ સુલભતાથી પ્રાપ્ત કરીને સમાજમાં પોતાનું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બને તે હેતુથી સ્વામીશ્રીએ બી.એ.પી.એસ ના શિક્ષણ વિભાગ દ્વારા સેલવાસ શહેરની ભાગોળે દમણગંગા નદીના કિનારે બહુ મોકાના સ્થાને આવેલી પી.આઇ.આઇ.ટી. (પ્રમુખ સ્વામી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી) અદ્યતન કોમ્યુટર ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ધાટન કર્યું.
- પ્રમુખસ્વામી કોમ્પ્યૂટર ઇન્સ્ટિટયૂટ, વલ્લભવિદ્યાનગર
- પ્રમુખસ્વામી કોમ્પ્યૂટર કલાસીસ : ભાવનગર – સુરત ખંભાત બોચાસણ બામણગામ કાવિઠા બદલપુર
- પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજ, કરમસદ,
- પ્રમુખસ્વામી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ, વલ્લભવિદ્યાનગર.
- સ્કૂલ ઑફ આર્કિટેક્ટસ, વલ્લભવિદ્યાનગર
- પ્રમુખસ્વામી સાયન્સ કૉલેજ, કડી.
- પ્રમુખસ્વામી પ્લેનેટોરિયમ, રાજકોટ.
૪. ટ્રેનિંગ કૅમ્પ્સ
ખાસ કરીને ૧૦મા અને ૧૨મા ધોરણના બૉર્ડની પરીક્ષાઓમાં બેઠેલા વિદ્યાર્થીઓ માટે ખાસ ટ્રેનિંગકૅમ્પ યોજીને તેમને આ પરીક્ષાઓમાં ઉજ્વળ પરિણામ લાવવાનું માર્ગદર્શન અપાય છે.
શિક્ષક શિબિરો :
સંસ્થા દ્વારા યોજાતી શિક્ષક શિબિરો દ્વારા શિક્ષકોમાં ઉત્તમ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાની તાલીમ તેમજ તેમના કર્તવ્ય પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કરાય છે. સમાજને ઉત્તમ શિક્ષકોની ભેટ આપવાનો આ એક અનુપમ પ્રયાસ છે.
૫. સાક્ષરતા અભિયાન
ગુજરાતના આદિવાસી પ્રદેશો તેમજ પછાત ગામડાંઓમાં નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપતું વિરાટ સાક્ષરતા અભિયાન સંસ્થાના સ્વયંસેવકો અને સંતોએ ભાવનગર, ખેડા વગેરે યોજીને સંસ્થાએ અનેક લોકોનું જીવન ધોરણ ઊંચું બનાવ્યું છે. જિલ્લાઓમાં ખૂબ રસ લઈને આ અભિયાન દ્વારા પ્રમુખસ્વામી મહારાજનો શિક્ષણ સંદેશ પ્રસાર્યો છે.
૬. સંસ્કૃત વિદ્યાલયો અને સંશોધન કેન્દ્રો
સારંગપુર ખાતે યજ્ઞપુરુષ સંસ્કૃત પાઠશાળા દ્વારા સંસ્કૃત સનાતન ધર્મગ્રંથો તથા તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસનું બેનમુન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું નિર્માણ કરીને સ્વામિનારાયણ તત્ત્વજ્ઞાન અને સંસ્કૃત ભાષાના સંવર્ધનનું સુકૃત કરવામાં આવ્યો છે.
આર્ષ અનુશોધન કેન્દ્ર : એમ.ફીલ. તથા પીએચ.ડી.ના ઉચ્ચતર અનુશોધન માટે વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધાઓ આપતું આ સંશોધન કેન્દ્ર માનવ સંવાદિતા પર અનેકવિધ આયોજનોથી ધબકતું રહે છે. વિવિધ વિષયો પરની પરિષદો તેમજ વિખ્યાત વિદ્વાનોની નિયમિત યોજાતી વ્યાખ્યાનમાળાઓનો લાભ લઈને જિજ્ઞાસુઓ પોતાના જ્ઞાનની સીમાઓ વિસ્તારે છે.
શિક્ષણ સાથે સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ
આ વિદ્યાર્થી સંકુલોની પ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડી આપી છે. આથી આ બી.એ.પી.એસ. વિદ્યાર્થી સંકુલોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી સતત વિદ્યાર્થીઓના સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું અવિરત ચક્ર ચાલતું રહે છે. વિદ્યાર્થીઓને આ છાત્રાલયોમાં સંયમ-નિયમના પાઠ ગળથૂથીમાંથી શીખવાય છે. સંતોના યોગથી આ સંયમ-નિયમના પાઠ સાથે જીવન અને ભણતર બંને ક્ષેત્રે સમાંતરપણે વિદ્યાર્થીઓ સતત પ્રગતિ કરતા રહ્યા છે. વળી, વ્યક્તિત્વવિકાસની પણ સતત ચાલતી શૃંખલાને કારણે પણ આ બી.એ.પી.એસ. વિદ્યાર્થી સંકુલોએ શિક્ષણ જગતમાં કંઈક નિરાળી ભાત ઉપસાવી છે.
- જુદા જુદા વર્તમાન પ્રવાહો પર ડિબેટ,
- આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાન વિષયક ક્વિઝ – પ્રશ્નોત્તરીઓ
- છટાદાર પ્રવચનો,
- પ્રેરક સંવાદ નાટિકાઓ,
- સંગીત અને નૃત્યના તાલીમ વર્ગો,
- શાનદાર વાર્ષિકોત્સર્વો,
- નિત્ય સત્સંગ સભાઓ,
- સ્ટડી સર્કલ,
- ઉત્સવો અને સમૈયાઓનું રચનાત્મક આયોજન.
સતત ચાલતી આવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ખીલી ઊઠે છે
પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણા અનુસાર વિદ્યાર્થીઓ સમયાંતરે જનજાગૃત્તિનાં અભિયાનો પણ યોજે છે, જેમ કે, વ્યસનમુક્તિ અભિયાન ! એ માટે વર્ષોથી બી.એ.પી.એસ. છાત્રાલયના યુવાનો વેકેશનના સમયમાં ગામડે ગામડે ઘૂમતા રહ્યા છે. આ વિદ્યાર્થી સંકુલોમાંથી ઘડાઈને વિદ્યાર્થી વ્યાવસાયિક કાર્યો પ્રવેશે છે, ત્યારે તેમની એક અનોખી આભા પથરાય છે.
મહાનુભાવોના ઉદ્ગારો
ચારિત્ર્યનું શિક્ષણ પ્રમુખસ્વામી આપે છે. બીજા પણ શિક્ષણ આપે છે. તે વિદ્યાનું છે, જ્યારે પ્રમુખસ્વામી ખુલ્લી યુનિવર્સિટી છે. ફરતા વિદ્યાલય જેવા છે. તેઓ ચારિત્યનું શિક્ષણ આપે છે. જે પાયાની વસ્તુ છે. અમને કેળવણીકારોને પણ એમના કાર્યથી પ્રભાવિત કર્યા છે. આજે લોકશિક્ષણની વાતો થાય છે પણ પ્રમુખસ્વામીજીએ તો લોકશિક્ષણનું વાયુયાન ઊભું કર્યું છે.
- રામલાલ પરીખ (ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ)
૦૩-૦૬-૨૦૦૩ સુરેન્દ્રનગર
પ્રમુખસ્વામી મહારાજનું સમાજમાં અનેક ક્ષેત્રે પ્રદાન છે. તેમાં પણ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન છે. આજે જ્યારે શિક્ષણનું વ્યાપકપણે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, ત્યારે સામાન્ય વર્ગના બાળકો પણ આપના છાત્રાલય /ગુરુકુળમાં સારી રીતે શિક્ષણ મેળવી શકે, તેમના સંસ્કારનું ઘડતર થાય, પૌષ્ટિક ખોરાક દ્વારા સ્વાથ્ય પણ સારું રહે એવી સારસંભાળ ખૂબ જતનથી કરવામાં આવે છે.
- ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી અરવિંદભાઈ સંઘવી
પ્રમુખસ્વામી મહારાજના શૈક્ષણિક કાર્યોની વિશેષતાઓ –
૧. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓનું નવનિર્માણ અને શાળાઓના સર્જનમાં આર્થિક અનુદાન
સમાજમાં જ્યારે જ્યારે આપત્તિઓ આવી પડે છે, ત્યારે ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ન કેવળ આપત્તિગ્રસ્ત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરી, પરંતુ તેની સાથે તેઓના બાળકોના અભ્યાસની પણ ચિંતા કરી છે.
- ૧૯૯૩માં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લા ભૂકંપને કારણે નુકશાનગ્રસ્ત થયા હતા. તેમાં ૪ શાળાઓનો (સમુદ્રાલ, કોંડજીગઢ, મુરશીદપુર ઉદ્દેતપુર) પુનરુદ્ધાર કરીને ૧૨૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. સમુદ્રાલમાં ભૂકંપ પછી અને પહેલા પણ કોઈ માધ્યમિક શાળા હતી નહીં એટલે સ્વામીશ્રીએ સંસ્થા દ્વારા ત્યાં માધ્યમિક શાળા બાંધી આપી. આ પહેલા અહીંના લોકોને આઠ કિલોમિટર દૂર ભણવા જવું પડતું હતું. સ્વામીશ્રીએ વિદ્યામંદિર બાંધી આપીને સૌ ઉપર ખૂબ ઉપકાર કર્યો હતો.
- ૧૯૯૯માં ઓડિશામાં વાયુ-હોનારત થઈ ત્યારે એરાસ્મા બ્લોકમાં ૨ શાળાઓનું નવનિર્માણ કર્યું. ૬૦૦ વિદ્યાર્થીઓને આ કાર્યથી લાભ પ્રપ્ત થયો.
- ૨૦૦૧માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ થયો ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે થોડા જ દિવસોમાં ધોરણ ૧ થી ૭ માટે ટીન સિટીમાં શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી. ભૂકંપથી અસરગ્રસ્ત શિક્ષકો પણ આ વ્યવસ્થામાં ઉમંગભેર જોડાયા. તેમને જરૂરી શૈક્ષણિક સામગ્રી પણ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સંતોએ પૂરી પાડી હતી. આ દુર્ઘટનામાં આપત્તિગ્રસ્ત ગામોની ૪૯ શાળાઓને દત્તક લઈને તેનું જરૂરી સુવિધાઓ સાથે નવનિર્માણ કરીને લોકાર્પણ કર્યું. આ કાર્યને લીધે કુલ ૧૫,૯૦૦ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા.
- ક્ચ્છ વાયુહોનારતમાં જામનગર જિલ્લામાં શાળાઓ ખાખરા, વિભાપર, બેરાજા (ભલસાણ), ફેંગાસવાડી, ભાટિયા વગેરે ભોપલકા, ગામોમાં વાયુ હોનારતમાં નષ્ટ થયેલી પ શાળાઓનું પુનઃનિર્માણ. તદુપરાંત, અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં કુલ ૯ શાળાઓના નવસર્જનના કાર્યમાં આર્થિક અનુદાન આપ્યું. આથી ૨૭૦૦ વિદ્યાર્થીઓને આ સુવિધાઓનો લાભ પ્રાપ્ત થયો.
૨. વ્યક્તિગત રીતે અભ્યાસમાં પ્રોત્સાહન
પ્રમુખસ્વામી મહારાજે સ્વયં વ્યક્તિગત રીતે પણ અનેક બાળકો-યુવકોને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું છે.
- હર્ષદ જોષી નામના યુવકને મુખ્ય પરીક્ષા પૂર્વે લેવાયેલી પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં માત્ર ૩૫ ગુણાંક જ પ્રાપ્ત થયા. તેના કારણે તેનું મન પરીક્ષામાંથી ઊઠી ગયું. તેથી આ યુવાને પ્રિ–સાયન્સની પરીક્ષાનું માંડવાળ કરી ટેલિફોન ઑપરેટરની નોકરી પર મહોર મારી દીધેલી. શિક્ષણતી હતાશ થયેલા હર્ષદને પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૮/૩/૭૭ના રોજ ભાવનગરમાં તેને અંગ્રેજીમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપીને ડૉક્ટર બનવાનું ધ્યેય બાંધી આપ્યું. પ્રમુખસ્વામી મહારાજના પ્રોત્સાહનના પવને તે હર્ષદને પરીક્ષા માટે સજ્જ કર્યો, અને તેમના આશીર્વાદથી તે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયો ! ત્યારબાદ તેને મૅડિકલ કૉલેજમાં પ્રવેશ મળી ગયો અને સમય જતાં તે ઑર્થોપીડિક સર્જન પણ બની રહ્યા !
- તા. ૧૪-૧૦-૨૦૦૪ રોજ મોંબાસામાં એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. સ્વામીશ્રીને સાંભળવામાં તકલીફ પડે એટલા માંદા સ્વરમાં એ કહે, ‘અભ્યાસ બરાબર થતો નથી. સ્વામીશ્રી ક્ષણભર એની સામે જોઈ રહ્યા. એના બન્ને કાનમાં રીંગ હતી. એવી જ નાની રીંગ આંખની ઉપરની ભ્રમરમાં પણ એણે નખાવી હતી, વાંકડિયા સજાવેલા વાળ હતા, હાથમાં બે-ચાર કડા પહેર્યા હતાં. છાતીનું બટન ખુલ્લું હતું. એના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામીશ્રી કહે : ‘બધા નાટારંગ મૂકી દે. આ નાટારંગમાં જ એકાગ્રતા રહેતી નથી અને ફેશન કરવા જાય છે, એટલે અભ્યાસ બરાબર થતો નથી માટે આ નાટારંગો મૂકી દે. નહીં તો જિંદગી બગડશે. ટી.વી.માં તો ઘણું બધું આવે, પણ એ જોઈને આપણે આપણું જીવન બગાડવાનું નથી. આ બધું મૂકી દે, તો અભ્યાસ પણ સારો થશે.
- અમદાવાદમાં એક વિદ્યાર્થી નરેન્દ્ર ભટ્ટી મળવા આવ્યો હતો. છેલ્લા ૯ વર્ષથી તે સંશોધન નિબંધ-થિસીસ લખી રહ્યો હતો. પણ તે કાર્ય પૂરું કરી શક્યો જ નહીં! વળી તેના ઘરે બીજી કોઈ આવક નહોતી. જે મળે તે તેના ભણતરમાં જ ખર્ચાઈ જાય. આ પરિસ્થિતિમાં નાસીપાસ થઈ સત્સંગ-ભક્તિમાં રચ્યા-પચ્યો રહેવા લાગ્યો. સ્વામીશ્રીએ પૂછ્યું કે ક્યા કારણે તારો નિબંધ પૂરો થતો નથી ? ત્યારે તેણે કહ્યું. સ્વામી, ભક્તિ ને સત્સંગ વિના બીજે રસ જ પડતો નથી.” – સ્વામીશ્રીએ તેને તદન વ્યવહારિક સલાહ આપી : “હવે ભક્તિ ઓછી કરો અને અભ્યાસમાં ધ્યાન આપો. કેટલો સમય બગાડ્યો ? પૈસા બગાડ્યા? ને કાંઈ કામ થયું નહીં. માટે થીસિસ લખાયા પછી નોકરી કરીને ભક્તિ કરજો….’
- તા. ૦૩-૦૨-૨૦૦૪ રોજ વિદ્યાનગરમાં સંદીપ બડતલા નામના એક યુવકના ભણવામાં અનિયમિત હોવાના સમાચાર મળતાં પ્રમુખસ્વામી મહારાજે તેને કહ્યું, ‘ભણવામાં ધ્યાન નથી આપતો તે અક્ષરધામમાં ક્યાંથી પહોંચાય ?! ધ્યાન ન રાખે તો અક્ષરધામને બદલે બીજે પહોંચી જવાય. માટે ભણજે બરાબર.’
- તા. ૦૭-૦૭-૨૦૦૨ના રોજ મુંબઈમાં બાળ અધિવેશનમાં પ્રવચન સ્પર્ધાના પ્રથમ વિજેતા બાળક પંકજ જેઠવાએ (મલાડ) સવોર્પરી શ્રીહરિ વિષય પર છટાદાર શૈલીમાં પ્રવચન કર્યું. સ્વામીશ્રી સાંભળીને રજી થયા. તે પછી અક્ષરપ્રકાશ સ્વામીએ બાળ સભા પુસ્તિકાને આધારે પંકજ તથા ખુશાલ ગોહિલને વારાફરતી કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેમાં પંકજને પુષ્પ 8 માંથી મારો સંકલ્પ પંક્તિ બોલવા કહ્યું. પંકજે ગાયું.
ભણવામાં હું ધ્યાન દઇશ,ઘેર આવીને લેશન કરીશ.સારો અભ્યાસ કરતો રહું.સૌથી પહેલો નંબર લઉં.
સ્વામીશ્રી: પહેલો નંબર લાવે છે? પંકજ: ના.
સ્વામીશ્રી જેમ પ્રવચનમાં બળથી વાતો કરતો હતો કે મહારાજ સર્વોપરી છે જ. તેમ આ પણ બોલ કે મારે પહેલો નંબર લાવવો જ છે. પંકજ તેમ બોલ્યો. પણ સ્વામીશ્રી કહે એમ નહીં હવામાં પહેલી અંગળી વીંઝીને ભાર પૂર્વક બોલ્યા, ‘મારે પહેલો નંબર લાવવો જ છે. નેણ ઉલાળીને કહે એમ બોલ.’ પંકજ એ જ રીતે બળમાં બોલ્યો. એટલે સ્વામીશ્રીએ મસ્તક ડોલાવી સંતોષ વ્યક્ત કર્યો.
૩. શુલ્કસહાયતા
તા. ૨૬/૦૭/૧૯૭૨ના ગુરુપૂર્ણિમાના અવસરે પ્રમુખસ્વામી મહારાજે શૈક્ષણિક ઉત્કર્ષનું પણ એક પ્રેરક પગલું માંડી દીધું. તેજસ્વી બાળ-યુવા પ્રતિભાઓ આર્થિક અગવડના કારણે ઓલવાઈ ન જાય, તે માટે તેઓએ શાળા-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા શાળાશુલ્કની સહાય આપવાનો નિર્ણય લીધો. તે માટે તેઓએ સંસ્થામાં વાર્ષિક શૈક્ષણિક ભંડોળની વ્યવસ્થા કરાવી. આમ, આ વર્ષથી સમાજ- સેવાની એક વધુ અમૃતધારાને સ્વામીશ્રીએ વહેતી કરી દીધી, જે આજેય અનેકની કારકિર્દીને ઉજ્વળ બનાવી રહી છે.
પ્રતિ વર્ષે સ્વામીશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા તેજસ્વી અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ આપીને હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ બનાવવામાં પ્રોત્સાહન અને વેગ અપાય છે. છેલ્લા દસથી વધુ વર્ષમાં ૨૦,૦૦૦ કરતાંય વધુ વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ આપવામાં આવી છે.
- છાત્ર દત્તક યોજના :
સ્વામીશ્રીની પ્રેરણાથી તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને દત્તક લઈને તેમના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સંસ્થા દ્વારા નિભાવાય છે.
- બુક બૅન્ક – લાઈબ્રેરી :
સંસ્થા દ્વારા કેટલીય બુક બૅન્ક અને લાઈબ્રેરીઓ સંચાલન કરવામાં આવે છે. ભારત ઉપરાંત બ્રિટન, આફ્રિકા અને અમેરિકાના રાજ્યોમાં પણ આવી લાઈબ્રેરીઓ હજારો વિદ્યાર્થીઓની સેવામાં ખુલ્લી રહે છે.
- વોકેશનલ ગાઈડન્સ :
વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવા માટે તેમજ પોગ્ય નોકરી અને વ્યવસાયની પસંદગી કરવા માટે સંસ્થા દ્વારા પ્રતિવર્ષે નિયમિતપણે વર્કશોપ્સ અને અધિવેશનો દ્વારા વોકેશનલ ગાઈડન્સ આપવામાં આવે છે સંસ્થા દ્વારા પ્રતિવર્ષે નિયમિતપણે યોજાતી વિદ્યાર્થી શિબિરોમાં નિષ્ણાતો દ્વારા ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રમુખસ્વામી મહારાજની ભાવનાઓ
પ્રમુખસ્વામી મહારાજે જે શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું છે તેમાં તેઓએ કેટલો રસ લીધો છે, વિદ્યાર્થીઓની કેવી ચિંતા કરી છે, એમના જીવનમાં અભ્યાસ માટે કેવો અભિગમ છે તે એમના જીવનના પ્રસંગો પરથી ખ્યાલ આવે છે.
- સન ૧૯૭૩માં ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન ગુરુકુળના કાર્યવાહકોની એક મીટિંગ સ્વામીશ્રી સાથે યોજાયેલી. તેમાં ગૃહપતિ અને અન્ય કાર્યકર્તાઓ પોતાની મૂંઝવણ રજૂ કરતાં બોલવા લાગ્યાઃ ‘બાપા ! આ ટાણે મોંઘવારી ખૂબ છે. તેમાં આટલી ઓછી ફીમાં ક્યાંથી પોષાય ? આપણે વાર્ષિક ફી સો રૂપિયા વધારીએ. બીજી સંસ્થાઓમાં ફી ખૂબ ઊંચી હોય છે.’ ગોફણમાંથી પથરા છૂટે તેમ એક પછી એક સૂચનો છૂટી ગયાં.
સ્વામીશ્રીએ એ બધું જ શાંતિથી સાંભળી પોતાનો મત વ્યક્ત કરતાં પહેલાં સૌને પૂછ્યું: ‘આ (ગુરુકુળનાં) બાળકો કોનાં છે ? ‘યોગીબાપાનાં. શ્રીજીમહારાજનાં. તો એમની ચિંતા સ્વામિનારાયણ ભગવાનને નથી ? એમની ચિંતા યોગીબાપા નહીં કરે ? શા માટે બધો ભાર લઈને ફરો છો ?’ એમ કહીને સ્વામીશ્રી એ તમામ બાળકોનો ભાર પોતાના ખભા પર ઊઠાવતાં બોલ્યા:
‘હું ગુજરાત(ચરોતર)માં જઉં એટલે ઘઉં, ચોખા, દાળ જે જોઈએ તે લખજો. રોજ ત્રણ ગામમાં હું ભીખ માંગતો હોઈશ તો આ બાળકો માટે ચાર ગામમાં માંગીશ. પણ બાળકોને સારી રીતે રાખવાં. ભગવાન બધાંનું સારું કરશે. ચિંતા ન કરવી.’
સ્વામીશ્રીની આ વાતથી કાર્યવાહકોએ છ મહિનાથી વિચારી રાખેલા ઠરાવો પર માત્ર બાર મિનિટમાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું ! તેઓનો પ્રશ્ન હલ થઈ ગયો છતાં તેઓ ત્યાંથી ખસી ન શક્યા. ટમટમતા સિતારા ઝળહળતા સૂર્ય બને તે માટે સ્વામીશ્રીએ દાખવેલી ભીખવાની તત્પરતામાં સૌ ખોવાઈ ગયા !
- સન ૧૯૮૫માં લંડનમાં હરિભક્તોએ સ્વામીશ્રીને સુવર્ણથી તોળ્યા તો તેનું રૂા. ૧,૨૫,૦૦,૦૦૦નું દાન સ્વામીશ્રીએ ચારુતર વિદ્યામંડળની મેડિકલ કૉલેજ માટે અપાવી દીધું.
- સન ૧૯૮૭-૮૮ના વર્ષ દરમ્યાન સૌરાષ્ટ્રમા પડેલા દુષ્કાળ વખતે પ્રમુખસ્વામી મહારાજે સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિના વ્યવસ્થાપકોને કહેલું : ‘તમે ગોંડલ ગુરુકુળ તથા ભાદરા હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ઘેર જઈને ‘સર્વે’ કરી આવો કે કોણ કોણ રાહતકામ કરે છે? જે મા-બાપ રાહતકામ કરીને પોતાનું માંડ પૂરું કરતાં હોય એ બિચારાં છોકરાંની ફી કઈ રીતે ભરી શકે ? માટે એવી જેવી જેની ફી લીધી હોય એ પાછી આપી આવજો અને આવતી સાલની ફી પણ લેતા નહીં. તેને યુનિફોર્મ કરાવી આપજો. ભણવામાં પુસ્તકો અને નોટબુક પણ મળત આપજો. અનાજ પણ જોઈએ તો આપજો. જો તે લેતાં અચકાય તો એનું માન જણવાય એ રીતે ઘેર જઈને આપી આવજો. ભલે ખરચો થાય.’
- એક વખત સ્વામીશ્રી સુરત જિલ્લામાં સાંકરી ગામમાં વિરાજમાન હતા. ત્યારે ઉકાઈ ખાતે સંસ્થા દ્વારા ચાલતા છાત્રાલયના વિદ્યાર્થીઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. એ આદિવાસી ભાઈઓ હતા. સ્વામીશ્રીએ છાત્રાલયના સંચાલનની બધી વિગતો પૂછી. પછી ખોરાક અંગે પૂછયું: ‘સવારે નાસ્તો શો આપો છો? ‘બટાકા પૌંઆ, ચણા… દૂધ વગેરે આપીએ છીએ.’ દૂધ કેવું આપો છો?’ ‘સહેજ પાતળું આવે છે. સંચાલકે કહ્યું.
ના, એવું ન ચાલે. એવું કેમ થાય છે? પૈસા ઓછા આપો છો ?’ ‘પૈસા તો બરાબર આપીએ છીએ.” “તો પછી દૂધ લેતી વખતે બરાબર જોવું. પછી કહે : છોકરાઓનું શરીર બગડે એવું ન કરવું. ખોરાક સારો મળે, શરીર સારું રહે, અભ્યાસ સારો કરે અને સંસ્કાર સારા મળે. આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું. એ માટે ખર્ચ થાય તો વાંધો નહીં.
ગરીબ આદિવાસી બાળકોના વિદ્યાર્થી જીવનના સ્વાથ્યની ખેવના સાથે તેમને જે સંસ્કાર પ્રાપ્ત થાય, એની આગળ પૈસા તો તુચ્છ છે.
- બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ઉકાઈમાં આદિવાસી બાળકોને અભ્યાસની સાથે સાથે રહેવા-જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડતું છાત્રાલય ચલાવવામાં આવે છે. એકવાર સ્વામીશ્રી તેની મુલાકાતે પધારેલા.
નિરીક્ષણ વખતે સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોને પૂછ્યું : ‘બાળકોને સવારે નાસ્તામાં શું આપો છો ?’
‘બટાટા-પૌંઆ, ચણા, દૂધ વગેરે આપીએ છીએ.’
‘દૂધ કેવું આપો છો ?’
‘પાવડરનું.’
‘બધાને તે ભાવે છે ?’
‘કોઈને ન ભાવે તો ન પણ પીએ.’
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : ‘આપણે ગાય કે ભેંસનું દૂધ આપવું, જેથી કોઈ પીધા વગર ન રહે. છોકરાઓનું શરીર બગડે તેવું ન કરવું. ખોરાક સારો મળે, શરીર સારું રહે, અભ્યાસ સારો કરે અને સંસ્કાર સારા મળે આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું. એ માટે ખર્ચ થાય તો વાંધો નહીં.’
પછી પલંગ પર ઓઢવા મૂકેલા ધાબળા જોઈને સ્વામીશ્રીએ કહ્યું : ‘આ ધાબળા ટાઢ હરે તેવા ફક્કડ છે. પણ તેને ખોળિયાં કરાવી દેવા, જેથી બાળકો ઓઢે ત્યારે ગાલે વાગે નહીં.’ નિઃશુલ્ક વ્યવસ્થામાં પણ કેટલી કાળજી !!
- વડોદરામાં છાત્રાલયના સંચાલક સંતને બોલાવીને સ્વામીશ્રીએ કહ્યું,
મૂળ વિદ્યાર્થીઓને શિક્ષણ, ખાવાપીવાની સગવડ અને સંસ્કાર મળે – વ્યવસ્થિત મળે એ જોવું. મકાનના ડેકોરેશન ઉપર બહુ ન જવું, પણ છોકરા સંસ્કારી અને એના ઉપર મહેનત કરવી. છોકરાઓને કઈ રીતે ફર્સ્ટ ક્લાસ મળે એ માટે મહેનત – ખર્ચો કરવો.
શૈક્ષણિક પ્રવૃત્તિની ફલશ્રુતિ
આવા શૈક્ષણિક સંકુલમાંથી અભ્યાસ કરતા છાત્રોમાં નિયમ ધર્મની દૃઢતા, સુઘડ ચારિત્ર્યની કુલીનતા અને નિર્વ્યસની જીવનની મહેક સહેજે અનુભવાય છે. તદુપરાંત અનેક લોકોને આ સંકુલોથી ફાયદો થાય છે.
- તા. ૦૫-૦૩-૨૦૦૫ રોજ વિદ્યાનગરમાં સ્વામીશ્રીની મુલાકાતે આવેલા એક ભાવિકે જણાવ્યું હતું કે, ‘ગોધરાકાંડ દરમ્યાન તોફાનોમાં મારી ફેક્ટરી બાળી નાખવામાં આવી હતી. અંદાજે ૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. અમે લગભગ રોડ ઉપર આવી ગયાની પરિસ્થિતિ હતી, પરંતુ છાત્રાલયમાં સવાર-સાંજ થતી કથાવાર્તા અને આરતીને લીધે મારા જીવનમાં સ્થિરતા રહી. હું ટકી શક્યો અને અત્યારે ફરીથી બેઠો થઈ શક્યો છું. છાત્રાલયનું મારા જીવનમાં આ યોગદાન છે.’
- ૧૯૮૭માં જામનગર જિલ્લાના ગુણાતીતનગર(ભાદરા)માં ઉચ્ચ માધ્યમિક શાળાની સ્થાપના સ્વામીશ્રીએ કરી. ગુજરાતના ઓગણીસ જિલ્લાઓ પૈકી શિક્ષણની ઓછામાં ઓછી જાગૃતિ જામનગર જિલ્લામાં છે. ત્યાંના આ ગામમાં સ્વામીશ્રીએ જ્યારે ઉચ્ચ માધ્યમિક શાળા સ્થાપી ત્યારે ગામલોકો કહે, “સ્વામીશ્રીએ અમારા ઉપર આ મોટો ઉપકાર કર્યો છે. અમારા ગામની દીકરીઓને આજુબાજુના ગામોની શાળાઓમાં ભણવા જવા દેવાય એવી પરિસ્થિતિ નથી. આજે ભણતરની એટલી બધી જરૂત છે કે આ શાળા ન થઈ હોત તો અમારી દીકરીઓ સાથે કોઈ પરણત નહિ.
- લિરિલ સિલ્વી નામનો યુવક ડ્રગ્સ, દારૂના નશામાં ચકચૂર રહેતો. મિત્રો સાથે રખડવું, ધાંધલ-ધમાલ કરવી એ એનો આગવો શોખ. એટલે જ સૌ કોઈ તેનાથી ત્રસ્ત હતા. મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રણ-ત્રણ સેમેસ્ટરની પરીક્ષાની સાત-સાત ઍટીકૅટીનું દેવું તેના શિરે રહેતું.
એકવાર તો ડ્રગ્સનું સેવન કરતાં રંગે હાથે પોલીસે પકડ્યો. કૉલેજના પ્રિન્સિપાલને એ વાતની ખબર પડતાં તેને ખૂબ ઠપકો આપ્યો. તેનાં માતા-પિતા પણ આ કુટેવો છોડાવવા ખૂબ આજીજી કરતાં. પણ, લિરિલ માતા-પિતાની વાતને પણ ગણકારતો નહીં. અને વળતા ઉત્તરમાં આપઘાત કરી લેવાની ધમકી આપતો. એટલે માતા-પિતા પણ બની લાચાર જતાં.
રોજ રોજ કૉલેજના પ્રાધ્યાપકોની સલાહો સાંભળીને કંટાળેલા લિરિલે આખરે કૉલેજની હોસ્ટેલ છોડીને બહાર તેના મિત્રો સાથે મહેસાણામાં જ રૂમ રાખીને રહેવાનું પસંદ કર્યું. અને હવે તો લિરિલને બધી સ્વતંત્રતા મળી ગઈ. રોજે રોજ દારૂ અને માંસની મહેફિલ જામવા લાગી.
તેના મિત્રોમાંથી એક સદાચારી મિત્ર રોજ તેને આ બધું છોડી દેવા સમજાવતો. પરંતુ, તેને ગળે આ વાત ઊતરતી નહીં. એક દિવસ અચાનક તેના મનમાં વિચાર સૂર્યો કે મારે ખરાબ ધંધા મૂકી દેવા છે, પણ ખરાબ મિત્રોની સંગતના કારણે તે છોડી શકે તેમ પણ નહોતો.
તેણે મહેસાણામાં જ સારા છાત્રાલયની શોધખોળ કરી દીધી. તેમાં તેણે પહેલી પસંદગી કરી બી.એ.પી.એસ. છાત્રાલયની કરી. જોગાનુજોગ આ જ છાત્રાલયમાં લિરિલનો એક મિત્ર રહેતો હતો. લિરિલે તેના મિત્રને બી.એ.પી.એસ. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા સંચાલકોને ભલામણ કરવા સૂચવ્યું. એ સત્સંગી મિત્રે તેને સ્પષ્ટપણે સૂચના આપી કે તું વ્યસનથી દૂર રહીશ તો જ આ છાત્રાલયમાં પ્રવેશ મળશે. મિત્રની વાતને અનુમોદન આપીને લિરિલે કામચલાઉ તમામ નિયમોનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. નિયમો લેવાની બાંયધરી આપવાથી તેને બી.એ.પી.એસ. છાત્રાલયમાં પ્રવેશ મળી ગયો.
પરંતુ, અહીં તો કંઈક અલગ જ અનુભવ થયો. છાત્રાલયના દિવ્ય વાતાવરણમાં પ્રવેશતાં જ જાણે તેના અંતરમાં શાંતિની લહેરો ઊઠવા લાગી. મભૂમિ પર વર્ષાની હેલી થાય તેવો અહેસાસ થયો. ધીમે ધીમે છાત્રાલયમાં તેનું સમૂહજીવન શરૂ થયું. પ્રારંભમાં તેને થોડું કપરું લાગ્યું. છાત્રાલયમાં રહેવા છતાં થોડા સમય સુધી બહાર મિત્રોના ઘરે જઈ આવે ને સિગારેટ, દારૂ પી આવે. પણ, સમય જતાં છાત્રાલયની નિત્ય આરતીસત્સંગ-કથામાં બેસતો થયો. છાત્રાલયની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતો થયો. સંતો પાસે જ્ઞાનસભર માર્ગદર્શન મેળવે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો પણ વારંવાર દર્શન-સત્સંગલાભ લેવા લાગ્યો. આ દિવ્ય માહોલથી તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. કુસંગી મિત્રોની સોબત છૂટી. વ્યસનો દૂર થયાં. વિવેક આવ્યો. ભણવામાં પણ એકાગ્રતા આવી. અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઉચ્ચ પરિણામ મેળવીને NIT વારંગલ (તેલંગણા રાજ્ય, હૈદરાબાદ) ખાતે ઉચ્ચ કારકિર્દી માટે પ્રવેશ મેળવ્યો.
લિરિલના આ પરિવર્તન અને સિદ્ધિ પાછળનું રહસ્ય જ્યારે પણ તેને કોઈ પૂછે છે ત્યારે તે અશ્રુભીનાં નયને કહે છે ‘થેંક્સ ટુ પ્રમુખસ્વામી મહારાજ, એન્ડ ચૅક્સ ટુ બી.એ.પી.એસ. છાત્રાલય. જો મને બી.એ.પી.એસ. છાત્રાલયનો સહવાસ ન મળ્યો હોત તો મારી જિંદગી નર્ક સમાન બની ગઈ હોત, વેડફાઈ ગઈ હોત!’
- તાપી જિલ્લાના સદ્ગવાણ ગામના મહેન્દ્રભાઈ પટેલ ૧૦ જુલાઈ, ૧૯૯૧ના દિવસે સુરત આવ્યા. તેઓ ઓલપાડ પાસે આવેલી એક સાયનાઇડ કંપનીમાં નોકરી કરતા હતા, પણ તેની સાથે અભ્યાસ પણ થાય તે હેતુથી ત્યાં આવ્યા હતા. અડાજણમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પૂજય સંતોએ છાત્રાલયમાં મને રહેવાની અને ભણાવવાની વ્યવસ્થા કરી. મારી આર્થિક સ્થિતિ અને કપડાં જોઈને મને એમિશન ફી, ચોપડાં, કપડાં, ચંપલ, બ્રશ વગેરેની નાની નાની વ્યવસ્થા કરી.
તેઓના ગામમાં દરેકને સામાન્યપણે માંસાહાર, બીડી, તમાકુ અને દારૂનું વ્યસન રહેતું.
તેઓ ગામમાં જાય ત્યારે અભ્યાસની સાથે સાથે છાત્રાલયમાંથી શીખેલા પાઠોનો ઉપયોગ કરીને અન્ય ગ્રામજનોને પણ સદાચારના માર્ગે દોરતા. સદાચારના પાઠોથી કેટલીક સમજુ વ્યક્તિઓએ ધીરે ધીરે સહકાર આપવા માંડ્યો.
આજે સત્સંગ અને શિક્ષણને કારણે –
ખેતીમાં પણ આધુનિકીકરણ આવ્યું.
હરિભક્તોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો. ગામનાં ઝૂપડાં જેવાં ઘરો હતાં, તેને બદલે હાલ ૮૦ ટકા પાકાં મકાનો તૈયાર થઈ ગયાં ઘરે ઘરે ટુ-વહીલર, ટ્રેક્ટર તથા ઘણાં ઘરોમાં ફોર વ્હીલર વગેરે વાહનો પણ આવી ગયાં છે.
સૌનાં જીવનધોરણમાં સુધારો થયો છે. શિક્ષણની જાગૃતિ આવી. યુવતીઓ વિશેષ અભ્યાસ કરતી થઈ છે. તેઓને સારી જોબ પણ મળતી થઈ છે.
આમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી છાત્રાલયોને કારણે આ વિસ્તારમાં પરિવર્તનની આંધી થઈ છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની કૃપાથી છાત્રાલયને કારણે આખા વિસ્તારને નવું જીવન મળ્યું છે.