ગોતા :પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી, જાનહાની ટળી
અમદાવાદ : અમદાવાદ શહેરના ગોતાના વસંતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે આજે ધરાશાયી થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા નોંધાઇ ન હતી પરંતુ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની સાત ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
દુર્ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પૂરતી સુરક્ષા અને યોગ્ય પ્લાનીંગ વિના આ ટાંકી ઉતારવાનો તંત્રના માણસોએ પ્રયાસ કર્યો હોવાનો સ્થાનિક નાગરિકોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. જે બહેનના ઘર પર ટાંકીના સ્લેબ અને માથુ પડયુ તેમણે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, આ લોકોને સવારથી કહેતી હતી કે, ટાંકી ના પાડો, ના પાડો બધુ વ્યવસ્થિત કરીને ટાંકી પાડો પણ તેઓ બહુ ડાહ્યા થયા અને આખરે ટાંકી મારા ઘર પર પડી. તેની નુકસાની માટે જવાબદાર કોણ. મારા ઘરમાં ડિલીવરીવાળી વહુ છે, તેને સીઝેરિયન છે હવે જવાબદારી કોની.
ગોતાના વસંતનગર ટાઉનશીપમાં પાણીની ટાંકી ઉતારતી વખતે નજીકના મકાન પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. ગોતા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ દેસાઈઅ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોતાના વસંતનગર હાઉસિંગ બોર્ડ ટાઉનશીપમાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી હતી. આ ટાંકીમાં કેટલાય સમયથી પાણી ભરવાનું બંધ હતું અને સપ્લાય ડાયરેક્ટ અપાય છે. હાઉસિંગ બોર્ડ દ્વારા આ ટાંકીને ઉતારવાની કામગીરી આજરોજ ચાલી રહી હતી
ત્યારે ટાંકી નીચે પડી ત્યારે તેની ધરી સહેજ ખસી જતાં નજીકના મકાનના કેટલાક ભાગ પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. જા કે, આ કામગીરી દરમિયાન આખા વિસ્તારને કોર્ડન કરી લીધેલો હોવાથી કોઈ જાનહાનિ કે વધુ નુકસાન થયું નથી.