હિમાચલ પ્રદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઇ ૨.૭ની તીવ્રતા
શિમલા, હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે ૫ઃ૩૩ કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૭ નોંધાવી હતી અને તેનું કેન્દ્ર સોલન જિલ્લાના સિહાલમાં જમીનની સપાટીથી ૫ કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી મળ્યા. છેલ્લા ૧૮ દિવસમાં હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ૫ ભૂકંપ આવ્યા છે.
મંડી જિલ્લામાં ૩ દિવસ પહેલા એટલે કે ૩૧ ડિસેમ્બરે સમાન તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ ૨૬ ડિસેમ્બરે કાંગડા, ૨૧ ડિસેમ્બરે લાહૌલ-સ્પીતિ અને ૧૬ ડિસેમ્બરે કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન ૪ અને ૫માં આવે છે. વર્ષ ૧૯૦૫માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં ૧૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓછી અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ છે.HS1MS