Western Times News

Gujarati News

નવા વર્ષમાં શું સંકલ્પ કરશો?

આ વર્ષે જાત સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કર્યા વગર આપણે એવા સંકલ્પ કરીએ, જેમને આપણે નિભાવી શકીએ અને જે ખરેખર આગામી વર્ષમાં આપણી પ્રગતિ માટે ખૂબ જરૂરી છે

૨૦૨૦ બાદ આપણા સૌની જિંદગી કોરોના મહામારી, લોકડાઉન અને તેની અસરોથી સાવ બદલાઈ ગઈ છે. આપણે હવે સ્વાસ્થ્ય, પરિવાર, સંબંધો, ઈમર્જન્સી ફંડ, હેલ્થ સિસ્ટમનું મહત્ત્વ સારી રીતે સમજતાં થયાં છીએ.

સામાન્ય રીતે એક એવો રિવાજ છે કે દરેક વિદાય લેતા વર્ષના અંતે આવી રહેલા નૂતન વર્ષને યાદગાર બનાવવા માટે આપણે કેટલાક સંકલ્પ લેતા હોઈએ છીએ. ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે જાણીતો બનેલો આ કોન્સેપ્ટ હવે તો ભારતમાં પણ લોકપ્રિય છે. સંકલ્પની વાત આપણે જાણીએ છીએ. શરૂઆતમાં તો મન મક્કમ રાખીને મોટા નિર્ણયો કે સંકલ્પો કરી લેવામાં આપણે શૂરા છીએ પણ તેને આખું વર્ષ નિભાવી શકતા નથી અને આમ કરવા પાછળનાં બહાનાં પણ આપણે પહેલાંથી તૈયાર જ રાખીએ છીએ તો આ વર્ષે જાત સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કર્યા વગર આપણે એવા સંકલ્પ કરીએ, જે ખરેખર આગામી વર્ષમાં આપણી પ્રગતિ માટે ખૂબ જરૂરી છે.

આરોગ્ય એ સૌથી મોંઘી મૂડી છે અને આજના યુગમાં માંદું પડવું આર્થિક રીતે પણ પોસાય તેમ નથી ત્યારે નવા વર્ષનો પહેલો સંકલ્પ હેલ્ધી રહેવા સિવાય બીજાે કયો હોઈ શકે ભલા? સ્વસ્થ રહેવું એ આપણાં હાથમાં જ છે અને જાે આપણે આળસ છોડીને આજથી જ આ ઠંડીમાં પણ વહેલી સવારે થોડું ચાલવા-દોડવા કે કસરત કરવા જેવું કામ કરીશું તો તેનો ફાયદો આખું વર્ષ જાેવા મળશે.

જિમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવાની કોઈ જરૂર નથી. બસ, તમને ફાવે તેની કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ તમને મસ્ત રાખશે.
પરિવાર એ ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. આપણી આસપાસના આ લોકોને જ આપણી સાચી ચિંતા છે અને તેઓ હંમેશા આપણા દુઃખમાં દુઃખી થવાના છે. કોઈ પણ પરિસ્થિતિમાં પણ પરિવાર એકસાથે હશે તો દરેક લડાઈ જીતી લેવાશે.

સોશિયલ મીડિયા એ આપણી આખી જિંદગી કે સમગ્ર દુનિયા નથી જ. આ એક હકીકત હંમેશા યાદ રાખવી જાેઈએ. આજકાલ વચ્ર્યુઅલ પ્લેટફોર્મ પર સંબંધો બનાવવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ખૂબ ખતરનાક પણ છે. એક વાત યાદ રાખજાે કે સોશિયલ મીડિયા સૌથી ભ્રામક ચિત્ર રજૂ કરે છે અને હકીકત કંઈક અલગ જ હોય છે. અહી હંમેશાં હસતા દેખાતા લોકો પોતાની અંગત જિંદગીમાં ભયાનક હદે સ્ટ્રેસથી પીડાતા અને દુઃખી હોયતેવું પણ બની શકે છે.

એ જ રીતે અંગત સંબંધોમાં સૂફિયાણી સલાહો આપતા ફરતા કે પ્રેમ, લાગણી અને સફળતાની મોટિવેશનલ રેકોર્ડ વગાડતા ફરતા લોકો પોતાની અસલી જિંદગીમાં દરેક મોરચે નિષ્ફળ હોય છે અને તેમને સાંભળવાવાળું કોઈ હોતું નથી. આભાસી દુનિયા જ્ઞાન કે મનોરંજન મેળવવા માટે ઠીક છે, પરંતુ ૨૪ કલાક તેમાં જ ડૂબેલા રહેવું કે પછી આપણી પોસ્ટ પર કેટલી લાઈક કે કોમેન્ટ આવી તે ચેક કરતાં કહેવું એ એક માનસિક બીમારી જ છે અને બને તેટલો જલદી તેનો ઉપચાર કરવો જાેઈએ.

પુસ્તક આપણાં સાચાં અને વફાદાર સાથીદાર છે. આથી દર અઠવાડિયે એક પુસ્તક વાંચવાની આદત પાડવી જાેઈએ. જ્ઞાન એ સૌથી મોટી શક્તિ છે અને તેનો કોઈ વિકલ્પ નથી. જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે પુસ્તકોથી સારો શિક્ષક બીજાે કોઈ નથી. શોખ બડે કામ કી ચીઝ હૈ.. જાે વ્યક્તિને તેના કામ કે પ્રોફેશનથી અલગ પડતો કોઈ શોખ ના હોય તો તેની જિંદગી ચીલાચાલુ અને બોરિંગ બની જતી હોય છે. તમને જેમાં પણ આનંદ આવે અને એ આનંદ સતત બેવડાતો રહે તેવા કોઈ પણ એક શોખને તમારે પ્રોત્સાહન આપવું જ જાેઈએ.

ડાયરી લખવાની આદત તમને એક નવી દિશા આપી શકે છે. દિવસના અંતે થયેલા અનુભવો, નવા પડકારો, તમારા ગોલ અને તમારા દિમાગમાં ભરાયેલી નકારાત્મકતા પણ તમે આ ડાયરીનાં પાનાં પર ઉતારી શકો છો. એક વાત યાદ રાખજાે ડાયરી લખવાની આ આદત આગામી વર્ષોમાં તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થશે. તમારી જાતને સુધારવાની આનાથી સારી પદ્ધતિ બીજી કોઈ નથી. જ્યારે સમય મળે ત્યારે આ ડાયરીનાં પાનાં ઊથલાવશો ત્યારે તમને તમારી ભૂલો અને ક્યાં કામ કરવાની જરૂર ન હતી તે સમજાઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.