સ્ત્રી એટલે સંવેદના: બીજાનું ખોખલું દરિયાપણું જાણતી હોવાં છતાં અંગત માટે પોતાનાં મનોરથ ભૂલી જવાં
સ્ત્રી જયારે કંઈક લખવા બેસે એટલે અપેક્ષા એવી જ હોય …કે એ પોતાની વ્યથાઓ લખશે અથવા તો એના અધૂરા સપના વિષે લખશે ….! તારીખિયાના દરેક પાને એને ગમતી કે નાગમતી યાદો અંકિત થયેલી હોય એને વાંચવાની મથામણ કરતી હશે …! છત્રી હોય તોય વરસાદમાં પલળવાની જીદ કરતી હશે …! હાથમાં હાથ રાખીને રસ્તે થોડે સુધી ચાલવાની છોકરમત કરતી હશે ….!
સ્ત્રીની આવીજ કંઈક ઈચ્છાઓ એને રહસ્યમયી કોયડો બનાવી દે છે . બધુંયે એને આપી દઈયે તોય એતો દુઃખી જ રહેવાની , આ વાક્ય કદાચ દુનિયાનાં બધાં પુરુષો એ મનમાં કે એની સામે બોલ્યું જ હશે .પુરુષને મન સ્ત્રી એટલે … ન સમજાય એવી મોસમ .પણ , સ્ત્રી એટલે આંખોમાં દોરેલો એક એવો નકશો ,જેનું દરેક શહેર લાગણીઓથી સજેલું છે .સ્ત્રીની સંવેદનાઓ દિવસે દિવસે હવે બરછટ થવાં લાગી છે ….
આવી માન્યતા ધરાવનારાઓ નો વર્ગ ખુબ બહોળો છે .આવી કાચી માટીની પંગતથી સ્ત્રી ઘેરાયેલી હોય છે …!! મને રસ પડે છે …જયારે સ્ત્રી કંઈક સર્જનાત્મક લખે છે ….અને વિચારે છે .એની એક આંખમાં એની અજીબ દુનિયા અને એક આંખમાં એના સપનાના આગિયા.
તેની આજુબાજુના સંવેદનાથી છલોછલ નાજુક વિષયોને કેમ કરી ને શબ્દસ્થ કરવા ….?એ અઘરું તો છે જ .દિવસભરના દ્રશ્યો એકઠાં કરી રાત્રે એ બંધ આંખે એણે શું શું અનુભવ્યું એની ગાથા સ્હેજમાં લખી નાખે .પોતાના પ્રિયજનો માટે જિંદગીના તમામ તબક્કે પોતાની જાતને સંકોરીને પણ ખુશ રહી શકે છે .
બીજાનું ખોખલું દરિયાપણું જાણતી હોવાં છતાં અંગત માટે પોતાનાં મનોરથ ભૂલી જવાં ,આ કામ એક સ્ત્રી જ કરી શકે. કોઈપણ જાતના આળપંપાળ વગર પોતાની વ્યક્તિ પર પોતીકાપણાનો અધિકાર જતાવવો ….એની આ આવડત પર તો જાણે કુદરતનો આશીર્વાદ છે .માં ,પત્ની ,બહેન કે દીકરી દરેક પાત્રમાં એની મજબૂતાઈ દરેકે સ્વીકારવી જ રહી .લગ્ન પછી પુરુષની દુનિયામાં એના મિત્રોનું અસ્તિત્વ કદાચ વધુ હશે ,પણ સ્ત્રીના જીવનમાં પરણ્યાં પછી કેટલાંક સંબંધોનું અસ્તિત્વ એની મેળે જ ઝાંખું થઇ જતું હોય છે .
એની ઈચ્છાનું વિસ્તરણ અને એનાં મનોભાવોનું વ્યાકરણ …એનાં નજીકનાં લોકો સમજી શકશે ….મને લાગે છે ત્યારે એના સપનાંને જરૂર પાંખો મળશે . મેથીની ભાજી ચુંટતી આંગળીઓ અને કમ્પ્યુટરના કીબોર્ડ પર ફરતી આંગળીઓથી ઉદ્દભવતા પ્રસંગો ,મારી અવનવી દુનિયાના રસપ્રદ કિસ્સા છે . ક્યા કપડાં ક્યાં સૂકવવાથી માંડીને …ક્યા મસાલા ક્યાં સાચવીને મુકવા …?આ બધી સમજ એના દિમાગ માં ક્રમશ : દોડતી હોય છે .સંકટના સમયમાં હિંમત રાખી કુટુંબને ઉગારી લેવું એ કુનેહ તો દાદ માંગી લે તેવી છે .
સાચું કહું …, સ્ત્રી બહુ સહજતાથી કલ્પના અને વાસ્તવિકતા નું અંતર સમય ની સાથોસાથ કેળવી લે છે અને આત્મસાત પણ કરી લે છે …!
હું એક સ્ત્રી છું …અને મારી અનુભૂતિઓને વ્યક્ત સતત કરતી રહું છું ,લેખનકલાના માધ્યમ થી .સીધા અને સરળ શબ્દોથી પ્રામાણિકપણે અનેક ઘટનાઓને વાચા આપું છું .સ્ત્રીત્વ નું પ્રતિનિધીત્વ કરવામાં હરખ અનુભવું છું . બદલાતા સમય અને સમાજ સાથે વહેતાં વહેતાં માણસોના મંતવ્યો બદલાયા કરે છે .તેવી જ રીતે સ્ત્રીના મલકાવાના અને દુઃખી થવાના કારણો પણ એના હિસાબોમાં બદલાયા કરે છે .
સ્ત્રીના જીવનની પ્રસ્તાવના કદાચ રંગવિહીન હોઈ શકે ….પણ એની સમજણની યાત્રા કેટકેટલાય સજીવન રંગોની રંગોળીથી સજેલી હોય છે …! મારે મન ‘સ્ત્રી’એટલે આખા આયખાના ઓરતા સમેટીને અજાણ્યા ઓરડાને અને ખોરડાને સજાવે તે …. આંખમાં અજવાસ ભરીને પુરુષને પ્રેમથી દુનિયાનો સામનો કરવાં તૈયાર કરે એ છે ‘સ્ત્રી’ ‘સ્ત્રી’એટલે પોતાના હેતથી સંબંધોને એક જ ધાગે બાંધી શકે એવી આવડત ઘરાવતું વ્યક્તિત્વ …..!!