ગાંધીનગરમાં દીપડાને શોધવા માટે પાંચ દિવસથી સર્ચ-ઓપરેશન
સરિતા ઉદ્યાન વિસ્તારમાં દીપડો હોવાના પુરાવા મળ્યા નથી
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ દ્વારા ગાંધીનગરના રાજભવન, સરિતા ઉદ્યાન સહિતના આસપાસના વિસ્તારોમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જાેકે અંદાજિત ૨૦ કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢવા છતાં હજી સુધી દીપડાના ફિંગરપ્રિન્ટ સહિતના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી.
એમ છતાં વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત અત્રેના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની શક્યતાના પગલે ત્રણ પાંજરાં તેમજ ત્રણ નાઇટ વિઝન કેમેરા પણ મૂકીને રાતદિવસ બાઝનજર રાખવામાં આવી રહી છે.
સેકટર – ૨૦ અક્ષરધામ પાછળ આવેલા ગાર્ડન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહેલાં સફાઈકર્મચારી કૈલાસ વાઘેલા અન્ય સાથી કર્મીઓ ડ્યૂટીમાં સાથે હતાં. એ દરમિયાન અચાનક જ તેને દીપડાનાં દર્શન થયાં હતાં, જેને કારણે સફાઈકર્મી ડરી ગયાં હતાં અને દીપડો જાેયાની જાણ તેમના સુપરવાઈઝરને કરી હતી.
બીજી તરફ, દીપડો દેખાયાનો મેસેજ મળતાં જ વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અત્રેના વિસ્તારમાં સઘન સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવાયું હતું, પણ દીપડાના કોઈ સગડ મળ્યા નહોતા. જાેકે સફાઈકર્મચારીના કહેવા મુજબ, વન વિભાગ દીપડાની ભાળ મેળવવા ઢીલાશ રાખવા માગતા નથી,
જે અન્વયે અહીં પણ પાંજરું મૂકી દઈ અમુક અવાવરૂ બંધ મકાનોમાં પણ તપાસ શરૂ કરી હતી, પણ કોઈ ફળદાયી હકીકત હજી સુધી પ્રકાશમાં આવી નથી. આ અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાને શોધવા માટે પાંચ દિવસથી સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે
તેમજ ત્રણ પાંજરાં અને નાઈટ વિઝન કેમેરા પણ મૂકવામાં આવ્યાં છે. જાે કે સરિતા ઉદ્યાન વિસ્તારમાં હજી દીપડો હોવાના સત્તાવાર પુરાવા મળ્યા નથી. ત્યારે આજે અક્ષરધામ પાછળના ગાર્ડન વિસ્તારમાં સફાઈકર્મી યુવતીએ દીપડો જાેયો હોવાનું જાણ થતાં અહીં પણ સર્ચ-ઓપરેશન કરાઈ રહ્યું છે અને પાંજરું પણ મૂકી દીધું છે, પણ હજી સુધી દીપડાની કોઈ ભાળ મળી નથી.