પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત
અમદાવાદ, ચાઈનીઝ દોરીના વેચાણ અને તેનાથી થતાં મોત અંગે હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું રજુ કર્યું છે.
આજે હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને રાજ્યમાં અનેક જગ્યાઓથી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમજ તેનું વેચાણ કરનારા વેપારીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે તુક્કલના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
તે ઉપરાંત જાે કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડશે તો પણ તેની ધરપકડ થશે. પોલીસ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારાઓને પણ સબક શીખવાડી રહી છે. આવો જ એક ગુજરાતનો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં પહેલી વખત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. શહેરના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અજય વાઘેલા નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરી અંગેના ૧૭૦ જેટલા કેસ નોંધવામાં આવ્યાં છે. પોલીસે ૨૦૦થી વધુ વેપારીઓની ધરપકડ કરી છે. પોલીસને ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણની માહિતી પણ આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવશે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસીમાંથી ટ્રક ભરેલો જેટલો ચાઈના દોરીનો જથ્થો મળીને ૨૧ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે પરંતુ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. જ્યારે અમદાવાદમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. જાણે કાયદાનો કોઈને ડર જ રહ્યો ના હોય તે રીતે ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. પોલીસ આવા વેપારીઓને ધરપકડ કરી રહી છે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓને માત્ર ચાઇનીઝ દોરીની જપ્તીની જ નહી પણ તેને સપ્લાય કરનાર અને તપાસમાં જાે ચાઇનીઝ દોરીની ખરીદી કરનારની માહિતી મળે તો તેમના વિરૂદ્વ પણ ગુનો નોંધવા માટે તાકીદ કરવામાં આવી છે.