ખાડી દેશોમાં બે BAPS મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે: જયશંકર
ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે
કારણકે તેઓએ ૫૦ થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે , ૧૭,૦૦૦ થી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે , ૧૨૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે ૭ લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે.
આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન અને આશીર્વાદ મળ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. અબુધાબી માં બનનાર મંદિર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને દિવ્યતાની શક્તિ છે.
ખાડી દેશોના બે મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે અને આવનારા વર્ષોમાં થાઇલેન્ડ , પેરિસ , સાઉથ આફ્રિકા , ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ BAPS મંદિરોનું નિર્માણ થશે એવું હું દ્રઢપણે માનું છું. દિલ્હી અક્ષરધામની ભવ્યતા , દિવ્યતા,શિસ્ત,પ્રબંધન વગેરે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો હતો જે મારો બી.એ.પી.એસ સંસ્થા સાથેનો પ્રથમ પરિચય હતો.
બી.એ.પી.એસ સંસ્થાનું સ્વયંસેવક દળ અને તેમનું સમર્પણ , નિઃસ્વાર્થ સેવા તેમજ પ્રબંધન એ વિશ્વભરમાં લોકો માટે શીખવાનો વિષય છે. યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોથી મોકલેલા BAPSના સ્વયંસેવકોના સેવાકાર્યને ભારત સરકાર ક્યારેય નહિ ભૂલે અને તેની પાછળ પ્રમુખસ્વામી ની ભાવના “બીજા ના સુખમાં આપણું સુખ” ચરિતાર્થ થતી દેખાય છે.
સંવેદનશીલતા, સેવા, સમુદાય અને માનવતા આ ચાર આદર્શો આ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે.આધુનિકતા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય આ બી.એ.પી.એસ સંસ્થા અને તેના મંદિરોમાં જોવા મળે છે.
વ્યક્તિગત સ્પર્શ એ પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થાની આગવી વિશેષતા છે. “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને તે આજના વિશ્વમાં ખૂબ જ જરૂરી છે.”