Western Times News

Gujarati News

બાલાજી સ્નેક્સ ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં ૨ લાખની લૂંટ

રાજકોટ, ગુરુવારે મોડી રાત્રે ત્રણ શખસોએ સ્નેક્સ ડિસ્ટ્રીબ્યુટ કરતી ઓફિસમાંથી રુપિયા ૧.૯૫ લાખની લૂંટ ચલાવી હતી. આ ત્રણેય શખસો બળજબરીપૂર્વક ઓફિસમાં ઘૂસ્યા હતા.

બાદમાં સિક્યુરિટી ગાર્ડને છરી બતાવીને લૂંટફાટ કરી હતી. માધાપાર બેડી રોડ પર આવેલી અમરેલિયા બાલાજી સેલ્સ એજન્સીના ભાગીદાર કલ્પેશ અમરેલિયાએ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદીએ કરેલી ફરિયાદ મુજબ, કલ્પેશ અમરેલિયા પર સવારે ત્રણ વાગ્યાની આસપાસ સિક્યુરિટી ગાર્ડના પુત્રનો ફોન આવતા તેઓ ઓફિસે દોડી આવ્યા હતા.

સિક્યુરિટી ગાર્ડ પુના કાટડ છેલ્લાં ૧૨ વર્ષથી એજન્સીમાં કામ કરી રહ્યા છે. તેમના પુત્રએ કલ્પેશ અમરેલિયાને જાણ કરી હતી કે બુકાનીધારી એક શખસ બળજબરીપૂર્વક ઓફિસ પરિસરમાં ઘૂસી ગયો અને સિક્યુરિટી ગાર્ડને છરી બતાવીને ચાવી માગી હતી. એ પછી અન્ય બે બુકાનીધારી શખસો આવ્યા હતા. એ પછી સિક્યુરિટી ગાર્ડને પાર્કિંગમાંથી ઓફિસ પરિસરના ઉપરના માળે લઈ ગયા હતા.

સિક્યુરિટી ગાર્ડ પાસે ઉપરના માળના રુમની ચાવી હોતી. જેથી લૂંટારાઓએ દરવાજાના તાળા અને હેન્ડલ તોડી નાખ્યા હતા. બાદમાં સિક્યુરિટી ગાર્ડને નીચે રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને એક લૂંટારો તેના પર નજર રાખવા માટે સાથે રહ્યો હતો.

અડધા કલાક બાદ બીજા બે લૂંટારાઓ ઉપરના માળેથી બહાર આવ્યા હતા. એ પછી ત્રણેય લૂંટારાઓ સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ ફોન તોડીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. લૂંટારા ગયા બાદ સિક્યુરિટી ગાર્ડે નજીકના પરિસરના બીજા સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કર્યો હતો અને તેના મોબાઈલ ફોનથી ઘટનાની જાણ પોતાના પુત્રને કરી હતી. બાદમાં સિક્યુરિટી ગાર્ડના પુત્રએ ઘટનાની જાણ માલિકોને કરી હતી.

બનાવની જાણ થતાં જ કલ્પેશ અમરેલિયા તરત ઓફિસ દોડી આવ્યા હતા. ત્યાં જઈને જાેયું તો ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને ટેબલના ડ્રોઅરમાં રાખેલા રુપિયા ૧.૯૫ લાખ ગાયબ હતા. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. એસીપી (પશ્ચિમ) બી.વી. પંડ્યાએ જણાવ્યું કે, અમે સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ શરુ કરી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.