Western Times News

Gujarati News

સહજાનંદી સંતોમાં ઉત્તરાયણ પર્વની ઝોળી ફેરવવાની વિશેષ પરંપરા

(માહિતી) વડોદરા, ઉત્તરાયણ એ સમગ્ર ભારતીયોનો માનીતો યુગોથી ઉજવાતો તહેવાર છે. સૂર્યનો ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી આ પર્વને મકરસંક્રાંતિ કહે છે. વળી, સૂર્ય પૃથ્વીની આસપાસની ભ્રમણની દક્ષિણ દિશા બદલી ઉત્તર તરફ ગતિ કરે છે, એટલે આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે. આંખના પલકારાના ૧૦૦માં ભાગ જેટલા અલ્પ સમયમાં આ સંક્રાતિ થાય છે. સૂર્યનું અન્ય રાશિઓમાં ભ્રમણ ચાલુ જ હોય છે, પરંતુ મકર રાશીમાં સંક્રમણ સર્વોત્તમ ગણ્યું છે. વર્તમાનકાળે ૧૪મી જાન્યુઆરીના દિવસે આ સંક્રમણ થાય છે.

આ સમયને ઋષિમુનિઓએ પુણ્યકાળ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસે થોડું પણ દાન કરે તેનું કરોડોગણું પુણ્ય મળે છે. આ દિવસે પુણ્યદાનનો ખૂબ જ મહિમા હોવાથી લોકો દાનપુણ્ય કરે છે. પરંતુ દાનમાં પદાર્થ કરતા પ્રેમ અને ભાવનાથી કરેલ દાનની મહત્તા અનેકગણી વધુ હોય છે.

વડોદરા સ્વામિનારાયણમંદિર કારેલીબાગના શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે. સર્વ જીવના હિત માટે સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના સંતોને મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે ઘેર ઘેર ઝોળી લેવા મોકલતા. ઝોળી પર્વનો મહિમા વિશેષ હોવાથી. સુજ્ઞ લોકો તો આ દિવસે સંતોની ઝોળીમાં માત્ર વસ્તુ-પદાર્થનું જ નહીં પરંતુ વ્યસનો, વાસનાઓ કે ખરાબ સ્વભાવોને પણ અર્પણ કરતા કરે, અને લોકો ને સત્‌ માર્ગ તરફ વળે એ મૂળ આશય પણ હોય છે.

અન્ન કે અર્થદાનની જેમ જ આપણે જીવનમાં વ્યસનદાન, સમયદાન કરીએ તે ભગવાનને ખૂબ જ ગમે. આ દિવસે ભાવપૂવર્ક કરેલ દાનનો મહિમા પ્ણ અધિક છે. જેથી આપણે પણ આ મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે આપણે આંગણે આવેલા સંતોને ઝોળીમાં યથાશકિત દાન અર્પણ કરીને પુણ્ય કમાઈએ અને ભગવાનને રાજી કરી લઈએ. આમ શ્રીસ્વામિનારાયણ ભગવાને સર્વજીવના હિત માટે પોતાના સંતો પાસે ઝોળી મંગાવી હતી.

જે વિશેષ પંરપરા આજે પણ ચાલે છે. મકરસંક્રાંતિના દિવસે સંતો નિસ્વાર્થભાવે કેવળ ભગવાનની આજ્ઞાથી અનેક જીવાત્માનું કલ્યાણના હેતુથી દરેક ગૃહસ્થના આંગણે જઈને ‘નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો !’ પોકાર સાથે ઝોળી માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.