પેટલાદ પાલિકાએ નડતરૂપ ૩૫ લારી, ગલ્લા, કેબીનો હટાવી દેવાયા
(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા આજથી દબાણકારો ઉપર તવાઈ શરૂ થઈ ગઈ છે. જે લોકોએ નડતરૂપ રીતે લારી, ગલ્લા, કેબીનો ખડકી દિધા છે, તેવા ૩૫ જેટલા આજે દૂર કર્યા છે. જ્યારે રસ્તા પૈકીના ૪૫ જેટલા પતરાના શેડ વગેરે તોડી પાડવામાં આવ્યા છે.
વર્ષો બાદ પાલિકાની લાલ આંખ કરવાથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને કારણે જ શહેરના સુપર માર્કેટ સામેના વિસ્તારમાંથી કેટલાક દબાણો આજે સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ઉપર મુદતો પડતી જતી હતી. અંતે એક અઠવાડીયા અગાઉ પાલિકા શહેરના દબાણકારોને તાકીદ કરતો એક ઓડીયો જારી કર્યો હતો. જેમાં શહેરના સિવીલ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી મંદિર, સાંઈનાથ રોડ થઈ સાંઈનાથ ચોકડી સુધીના નડતરૂપ દબાણો દૂર કરવા જણાવ્યું હતું.
ઉપરાંત રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધીના ગેરકાયદેસર દબાણો પણ હટાવવા જણાવ્યું હતું. સમય મર્યાદામા આ રાજમાર્ગ પૈકીના દબાણો દૂર નહિ થતાં આજરોજ પેટલાદ પાલિકા દબાણકારો ઉપર ત્રાટક્યું હતું. પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજની ઉપસ્થિતીમાં પાલિકાની બાંધકામ, સેનેટરી, સફાઈ વગેરેની ટીમોએ સિવીલ હોસ્પિટલની આસ પાસના ગેરકાયદેસર નડતરૂપ દબાણો સવારે ૧૧ કલાકથી દૂર કરવા શરૂ કર્યા હતા.
દબાણ દૂર કરવાની શરૂઆત થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરભરના દબાણકારોમાં ફફડાટ અને ભયનો માહોલ જાેવા મળતો હતો. પાલિકાની આ કામગીરીમા કોઈ રૂકાવટ ના આવે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
શહેરમાંથી દબાણો દૂર કરવા સપાટો બોલાવવા અંગે પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે આજે સવારે ૧૧ થી સાંજે ૫ કલાક સુધીમાં સિવીલ હોસ્પિટલથી સરગમ સિનેમા સુધીના નડતરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આજે ૩૫ જેટલા લારી, ગલ્લા, કેબીનો ઉઠાવી લીધા છે. જ્યારે ૪૫ જેટલા પતરાના શેડ, સામાન હટાવી કે તોડી પાડવામાં આવ્યા છે. પાલિકાએ જે દબાણકારોનો સામાન જપ્ત કર્યો છે તેઓ પાસેથી દંડ વસૂલી સામાન પરત આપવામાં આવશે. પરંતુ તે જગ્યાએ હવે કોઈ જ દબાણો ઉભા નહિ થઈ શકે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે જ્યાંથી આજે કામગીરી સ્થગિત કરવામાં આવી છે, ત્યાંથી બુધવારે સવારે ૧૧ કલાકથી ફરી દબાણો દૂર કરવાનુ કામ હાથ ઉપર લેવામાં આવશે. પાલિકાની કામગીરીથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે.