ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ‘પ્રારંભિક બાળસંભાળ અને વિકાસ’ પર પરિસંવાદ યોજાશે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને રાષ્ટ્રીય બાળ અધિકારી આયોગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આગામી તા. ૨૨ અને ૨૩ નવેમ્બર દરમિયાન ‘પ્રારંભિક બાળસંભાળ અને વિકાસ’ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રી હર્ષદભાઇ શાહે પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતુ કે, બાળજન્મ પૂર્વેથી લઇ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધીમાં એના વિકાસક્રમની સાતત્યપૂર્વકની ચિંતા કરનાર આ સમગ્ર જગતની એકમાત્ર યુનિવર્સિટી છે. અમારી યુનિવર્સિટી બાળકોનો ભાવનાત્મક વિકાસ અને ચરિત્રાત્મક વિકાસ થાય તે દિશામાં કાર્યરત છે.
ચિલ્ડ્રન યુનિવર્સિટી વિશે કુલપતિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીને મનુષ્યને પ્રકૃતિ, સૃષ્ટિ અને સમષ્ટિને કેન્દ્રમાં રાખી, એનું સંતુલન જાળવી વ્યાપક હિતમાં જીવવાની જીવનશૈલી બતાવે છે.
ગર્ભવિજ્ઞાન, ગર્ભસંસ્કાર, બાળઉછેર અને પ્રત્યેક બાળકની મૌલિક શક્તિઓ જગાડી તેને શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાની દિશામાં નવપ્રસ્થાન આ યુનિવર્સિટીનું લક્ષ્ય છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના સંશોધનો પર વાત કરતા કુલપતિશ્રીએ ઉમેર્યું કે, યુનિવર્સિટી એવા સંશોધનો હાથ ધરશે જેના થકી શિક્ષણની દિશા બદલાશે. આ સાથે આ યુનિવર્સિટી વિશ્વસ્તરે વિસ્તરે અને સમગ્ર વિશ્વના જ્ઞાનને પોતાની જ્ઞાનભૂજાઓમાં આવરી લે તેવા પ્રયત્નો કરી રહી છે.
આ રાષ્ટ્રીય પરિસંવાદ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અજુ શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવશે. ‘પ્રારંભિક બાળસંભાળ અને વિકાસ’ પર આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદમાં વિવિધ તજજ્ઞ વક્તાશ્રીઓ રાષ્ટ્રીય મુ્ક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થા(NIOS)ના અધ્યક્ષશ્રી પ્રો.ચંદ્ર ભૂષણ શર્મા, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવશ્રી અતુલભાઇ કોઠારી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી પ્રો.આર.જી.કોઠારી, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા સંસ્થાનના સભ્ય સચિવશ્રી પ્રો.સચ્ચિદાનંદ જોષી, ધ્યાન બાળ-ગર્ભ સંસ્કાર ગર્ભશિક્ષણ કાર્યક્રમના સંસ્થાપક ડો. કલ્યાણી નાયડુ, વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનના મંત્રીશ્રી અવનીશ ભટનાગર, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોજગના અધ્યક્ષશ્રી પ્રિયંક કાનૂનગો પોતાના મંત્વયો ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રજૂ કરશે.