પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની તાલીમ શિબિર યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/1701-sajid-1-1024x721.jpg)
નડિયાદ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના પીપળાતા ગામે પ્રાકૃતિક ખેડૂત અરુણભાઈ શાહના સંજીવની ફાર્મ ખાતે જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને રસ ધરાવતા ખેડૂતોની એક તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રાકૃતિક ખેતી, જમીન સંવર્ધન, ઇન્ટરનેશનલ મિલેટ-યરની ઉજવણીનાં ભાગરૂપે બાજરીનું મહત્વ સહિતના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે જિવામૃતનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિવિધ પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશોનું ટેબલ પર ડિસ્પલે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈએ જણાવ્યુ કે ભારત સહિત વિશ્વના તમામ દેશના ખેડુતોએ નિર્વિકલ્પ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવુ પડશે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલું ધાન્ય અને શાકભાજી ઓછા કેમિકલયુક્ત અને વધુ સ્વાસ્થ્યકારક હોય છે. તેમણે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિથી ઉતપન્ન થયેલી ખેત-પેદાશોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે કૃષિ વિભાગના અધિકારી દિપકભાઈ રબારી, મદદનીશ ખેતી નિયામક નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ વિભાગ), આત્માના પ્રોજક્ટ ડાયરેક્ટર જિતેન્દ્ર સુથાર, ડે. ડાયરેક્ટર ધર્મેન્દ્ર ગોહિલ, કર્મચારીઓ, તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ પરમાર, પીપળતાના સરપંચ અને પ્રાકૃતિક ખેડૂતો હાજર રહ્યા હતા.