પેટલાદમાં ૨૦૦થી વધુ દબાણોનો સફાયો

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આજરોજ પણ શાક માર્કેટથી કોલેજ ચોકડી અને રણછોડજી મંદિરથી સાંઈનાથ ચોકડી સુધીના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ત્રણ દિવસ દરમ્યાન લારી, ગલ્લા, કેબીનો, શેડ વગેરે મળી આશરે ૨૦૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમા જે કોઈ દબાણો દૂર કરવામાં આવ્યા તે પૈકી સૌથી વધુ રોષ ખાણી પીણીની લારીઓ વાળાને હોવાનું જાેવા મળ્યું હતું. જાે કે ખાણી પીણીની લારીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા અંગે યોગ્ય કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લાના પેટલાદ ખાતે સિવીલ હોસ્પિટલ પાસેથી દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા દ્ધારા તા.૧૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી આજે કોલેજ ચોકડી તથા સાઈનાથ ચોકડી સુધી પહોંચી હતી. આજે બપોરે ૧૨ કલાકથી શાક માર્કેટ પાસેથી દબાણો હટાવવાના શરૂ કર્યા હતા. પાલિકાની ટીમો સુપર માર્કેટ સામે પહોંચતા કેબીનો દૂર કરાતા લોકટોળા ભેગા થઈ ગયા હતા. પાલિકાની દબાણ હટાવ કામગીરીથી શહેરના સરદાર ચોકથી કોલેજ ચોકડી સુધીના રાજમાર્ગ ઉપર આવેલ ખાણી પીણી લારીઓ વાળા સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે.
ઉપરાત રણછોડજી મંદિર સામેના કેબીનોના શેડ તથા નજીકમાં પાકા દબાણો તોડી પાડતાં દબાણકારોમાં ભય અને ફફડાટ જાેવા મળતો હતો. જેને કારણે રણછોડજી પોલીસ ચોકીથી ચાવડી બજાર સુધીના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયા છે. કેટલાક દુકાનદારોએ બહાર સુધીના શેડ અને સાઈન બોર્ડ પણ જાતે જ ઉતારી લીધા હતા. આ પોલીસ ચોકી પાસે આવેલ પાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનો પાસે સૌથી વધુ દબાણો જાેવા મળતા હતા. આ સ્થળે રાહદારીઓ માટે બનાવેલ ફુટપાથ વર્ષોથી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ જાેવા મળતું હતું.
સરવાળે પાલિકા દ્ધારા શરૂ કરવામાં આવેલ દબાણ હટાવ ઝુંબેશને કારણે શહેરના રાજમાર્ગો વર્ષો બાદ ખુલ્લા અને પહોળા દેખાયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જાે કે રોજેરોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવનાર ખાણી પીણીની નાની મોટી લારીઓ વાળામા ચોક્કસપણે પાલિકાની કામગીરીને લઈ આક્રોશ જાેવા મળતો હતો. કારણકે આ રાજમાર્ગ સિવાય ગામતળ તથા અંતરિયાળ વિસ્તારોમાં પણ લારી, ગલ્લા, કેબીનો, શેડ વગેરે વર્ષોથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા જાેવા મળતા હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.
જ્યાં પાલિકા દ્ધારા ક્યારેય દબાણો દૂર કરવામાં આવતા નથી. જાે કે આ સમગ્ર મામલે ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો ટ્રાફિક માટે નડતરૂપ હતા. એટલે જે દબાણો હટાવાયા છે તે કોઈપણ સંજાેગોમાં પુનઃ પ્રસ્થાપિત નહિ થઈ શકે. પરંતુ ખાણી પીણીની લારીઓ વાળા માટે કોઈ વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા આગામી દિવસોમાં વહેલીતકે કરવામાં આવશે. જાેવાનુ એ રહેશે કે શહેરના મુખ્ય રાજમાર્ગો પ્રજાને કેટલા દિવસ સુધી ખુલ્લા અને પહોળા જાેવા મળે છે ?