Western Times News

Gujarati News

પોલિસ વડા સાથે ગાઢ સંબંધ ધરાવતા અધિકારીને અચાનક કેમ સસ્પેન્ડ કરાયા?

હર્ષ સંઘવીએ એક જ દિવસમાં ત્રણ અધિકારીઓને ઘરભેગા કર્યા

જી.એચ. દહિયા સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂ.૩૦ કરોડ લીધા હોવાની થઇ હતી ફરિયાદ હતી.

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી. ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ  જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ ૧૦થી ૧૨ ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે.

આજે હર્ષ સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ શરૂ કરી દીધી છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે.

આ સાથે જ આજના દિવસમાં ૩ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે તે છે પીઆઇ જી એચ દહિયા, આશિષ ભાટિયા પોલીસ કમિશનર હતા ત્યારે તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ જી એચ દહિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂ.૩૦ કરોડ લીધા હોવાની થઇ હતી ફરિયાદ હતી. ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરવામાં આવી હતી. વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. જે પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અવારનવાર ભ્રષ્ટાચારની ખબરો સામે આવતી રહે છે ખાસ કરીને સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવા વિભાગો હોય તો એમાં રાજ્યનો મહેસુલ વિભાગ અને ગૃહવિભાગ આ યાદીમાં સૌથી આગળ છે.

અગાઉ સરકારના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી ચુકી છે. ત્યારે વિકાસની વાત કરતી ભાજપ સરકાર માટે બેદાગ રહેવું ખુબ જરૂરી છે. જેને પગલે હાઈકમાન્ડ દ્વારા સરકારના મંત્રીઓથી માંડીને સરકારી ઉચ્ચઅધિકારીઓને પણ આ અંગે અગાઉથી જ કડક સુચનાઓ આપવામાં આવેલી છે

કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો કોઈપણ મામલો સરકાર દ્વારા સાંખી લેવામાં નહીં આવે. કોઈપણ પ્રકારનો આક્ષેપ થતાં પણ સરકાર દ્વારા એ મામલાને ખુબ ગંભીરતાથી લેવામાં આવે છે. એજ કારણ છેકે, જૂની સરકારના બે મંત્રીઓ પણ જ્યારે આક્ષેપ થયા હતાં ત્યારે તુરંત જ હાઈકમાન્ડ દ્વારા તેમની પાસેથી ચાર્જ પરત ખેંચી લેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.