રાજ્યમાં ૨૫ જાન્યુઆરીથી કાતિલ ઠંડી પડશેઃ આગાહી
અમદાવાદમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી પડતાં લોકોએ રાહત અનુભવી
(એજન્સી)અમદાવાદ, શહેર સહિત સમગ્ર ગુજરાત કાતિલ ઠંડીના તીવ્ર સપાટામાં આવીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધ્રુજી રહ્યું છે. નલિયામાં તો ઠંડીનો પારો નીચે ગગડીને રેકોર્ડબ્રેક ૧.૪ ડિગ્રીએ જઈને પહોંચ્યો હતો,
જ્યારે આપણા અમદાવાદમાં પણ ૭.૬ ડિગ્રી જેટલી ગાત્રો થીજાવતી ઠંડી આ દિવસોમાં પડી ચૂકી છે એટલે આવી ઠંડીમાં સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું. જાેકે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ આગામી તા.૨૫ જાન્યુઆરીથી શરૂ થશે તેવી આગાહી કરાઈ છે.
બીજા અર્થમાં આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે. અમદાવાદમાં શીતલહેરથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સતત ઠંડીના કહેરથી ખાસ કરીને શાળાએ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે, તેમાં પણ રાજકોટમાં કડકડતી ઠંડીથી બુધવારે એક વિદ્યાર્થીનું મોત થતાં તંત્ર પણ સફાળું જાગી ઊઠ્યું છે
અને વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ઠંડીના કારણે મુશ્કેલી પડતી હોઈ શાળાનાં સમયમાં ફેરફાર કરવાની સંચાલકોને સૂચના આપવામાં આવી છે તેમજ શાળાઓને તેમના સ્વેટરના ડ્રેસકોડનો આગ્રહ ન રાખવા માટે સૂચના અપાઈ છે એટલે બાળકો ઠંડી સામે રક્ષણ મળે તેવાં વધુ ગરમ વસ્ત્રો પહેરીને શાળાએ જતા નજરે પડ્યા હતા.
ઠંડીના વધતા જતા કહેર સામે અમદાવાદીઓને ગુરુવારે આંશિક રાહત મળી હતી. ગુરુવારે ઠંડીનો પારો બુધવાર કરતાં ઊંચો ઊંચકાયો હતો. શહેરમાં ગુરુવારે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ હતી કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતી. ગુરુવારે ઠંડા પવનોનું જાેર પણ અમુક અંશે હળવું બન્યું હતું. આમ, બેઠી ઠંડી ઉપરાંત ઠંડા પવનોનું જાેર ઘટતાં લોકોમાં આ બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડીમાં આંશિક ઘટાડો થઈને ૧૪થી ૧૫ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાય તેવી આગાહી કરવાની સાથે-સાથે ૨૫ જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ થાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
દરમિયાન રાજ્યનાં પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં
અમરેલી ૯.૩, વડોદરા ૧૨.૬, ભાવનગર ૧૨, ભૂજ ૧૧.૭, છોટાઉદેપુર ૧૪, દાદર-નગર હવેલી ૧૩.૮, દાહોદ ૯.૧, દમણ ૧૫, ડીસા ૧૦.૭, દીવ ૧૧.૩, દ્વારકા ૧૫.૭, ગાંધીનગર ૧૧.૭, જામનગર ૧૩.૯, જૂનાગઢ ૧૩.૨, કંડલા ૧૨.૪, નલિયા ૭.૨, નર્મદા ૯.૨, ઓખા ૧૯.૯, પાટણ ૧૧.૧, પોરબંદર ૧૦.૯, રાજકોટ ૧૧.૯, સાસણ-ગીર ૧૫.૪, સિલવાસા ૧૩.૮, સુરત ૧૩.૮, વલસાડ ૮.૮ અને વેરાવળ ૧૫.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.