Western Times News

Gujarati News

મહિને 4 ટકા વ્યાજ મળશે તેવી સ્કીમ બતાવી ફિલ્મ પ્રોડ્યુસરે 25 લોકોને છેતર્યા

પ્રતિકાત્મક

નાડીદોષ અને રાડોના પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ બનાવી રૂપિયા ૬૫ લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો-ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

સુરત,  શુકુલ શૉબિઝના નામથી નાડીદોષ, રાડો અને લોચા લાપસી સહિત પંજાબી અને મરાઠી ફિલ્મો પ્રોડ્યુસ કરીને જાણીતા થયેલા પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ બનાવી રૂપિયા ૬૫ લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો.

મુન્ના અને તેના ૬ સાગરિતોએ રોકાણકારોને મહિને ૪ ટકાના વળતરની લાલચ આપીને વિવિધ સ્કીમોના નામે કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસે આ ટોળકીના ૩ સાગરિતોને ઝડપી લીધા હતા. અહીં નોંધનીય છે કે પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુકુલ શૉબિઝના બેનર હેઠળ તેણે જાણીતી ગુજરાતી ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા લાપસી સહિત મરાઠી અને પંજાબી ફિલ્મ પણ બનાવી છે.

સુરત શહેરના વેસુમાં શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરીને રોકાણની વિવિધ સ્કીમ્સ રજૂ કરનારા સંચાલકો ભાગી ગયા છે. આ કંપનીએ રોકાણ સામે માસિક ૪ ટકાના વળતરની લોભામણી જાહેરાત કરીને એજન્ટ મારફતે બજારમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી.

૬૫ લાખ રૂપિયાની ચીટિંગની ફરિયાદ નોંધીને આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ એજન્ટની ધરપકડ કરી છે, જ્યારે ચાલાક સંચાલકો ભાગી ગયા હતા. શુકુલ ગ્રુપ કંપનીએ ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી હતી.

પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતમાં અડાજણ ભરૂચા સોસાયટીમાં રહેતા રેખાબહેન અને તેમના ભત્રીજા સહિત ૨૫ લોકો સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા.

આ બહેન અને તેમના સંબંધીઓએ સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક બિઝનેસ હબમાં શુકુલ ગ્રુપ ઓફ કંપનીના નામે શુકુલ વેલ્થ એડવાઈઝરી, શુકુલ વેલ્થ ક્રિએટરના બેનર હેઠળ મની ફાઉન્ડર અને ડેઈલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા.

આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને ૪થી ૫ ટકા જેટલું વ્યાજ મળશે. આ કંપની રજીસ્ટર્ડ થયેલી છે, બધાને સમયસર પૈસા પણ આપતી હોવાની વાત કરીને તેઓને ભરોસામાં લીધા હતા.

બધું મળીને કુલ ૨૫ લોકોએ કરેલા ૬૫ લાખ રૂપિયાનું રોકાણ લઈ કંપની બંધ કરી દેતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ સમગ્ર ગુનાની તપાસ કરી રહેલી ઈકો સેલની ટીમે હેપ્પી કાનાણી, મયુર નાવડિયા અને વિમલ પંચાલને દબોચી લીધા હતા. સુરત પોલીસે મુન્નાને શોધવા માટે પણ ટીમ રવાના કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.