BJPમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગે હિંમતનગરના એક કોર્પોરેટરે કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખ્યો
હિંમતનગર પાલિકામાં કમીટીઓની રચના બાદ BJPના કોર્પોરેટર આકરા પાણીએ- ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયા
હિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે.
(પ્રતિનિધિ) હિંમતનગર; હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓની રચના કરાયાની જાહેરાત કરાયા બાદ પાલિકાના એક સિનીયર કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં બળાપો કાઢીને મનોવ્યથા ઠાલવી હતી.
ત્યારબાદ નારાજ થયેલા આ કોર્પોરેટરે હિંમતનગરમાં ભાજપમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગે આક્ષેપ સાથેની રજૂઆત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીને કરી છે. જેમાં વોર્ડ નં.૧, ૮, ૧૧, ૬, ૯ના તથા સંગઠનના હોદ્દેદારો પર કરેલા આક્ષેપો બુધવારે સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા બાદ હિંમતનગરના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.
નારાજ કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ મંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં એવા આક્ષેપ કર્યા છે કે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે ટીકીટો આપવામાં આવી હતી. તેમાં ૨૦૨૨માં કોંગ્રેસમાંથી ધારાસભ્યની સાથે આવેલા કોંગ્રેસીઓને ટીકીટ અપાઇ છે.
વોર્ડ નં.૧માં ચૂંટાયેલા ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. તેજ પ્રમાણે તેજલબેન રાવલના સસરા કોંગ્રેસમાંથી આવ્યા છે, પ્રાથમિક સભ્ય પણ નથી.
વોર્ડ નં.૮માં ચૂંટાયેલા ધર્મરાજસિંહ દેવડાના પિતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ધર્મરાજસિંહને ભાજપે ટીકીટ આપી છે. વોર્ડ નં.૧૧માં ભાનુભાઇ પટેલ જિલ્લા પ્રમુખના ગામના છે,
હિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે. ટીપી ચેરમેન ગોપાલ પ્રજાપતિ ઉપર ચેક રિર્ટનની અનેક ફરિયાદો થઇ છે. ટીકીટ વહેંચણી વખતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત કરાઇ હોવા છતાં જિલ્લા સંગઠનના એક પદાધિકારીએ ગોપાલ પ્રજાપતિની તરફેણ કરી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે.
વોર્ડ નં.૬માં હિતેષ પટેલ ભાજપના કાર્યકર કે પ્રાથમિક સભ્ય નથી, છતાં તેમને સંગઠનના આ પદાધિકારીએ ટીકીટ અપાવી હોવાનું શહેરમાં ચર્ચાઇ રહ્યું છે. નગરપાલિકામાં ચૂંટાયેલા જતિન કહાર તેમના પિતાના અવસાન બાદ ભાજપના કોઇ કાર્યક્રમમાં આવ્યા નથી, છતાં તેમને ટીકીટ મળી છે. વોર્ડ નં.૯માં દિનેશ પરમાર અને જિલ્લા સંગઠનના એક પદાધિકારી વ્યવસાયમાં ભાગીદાર હોવાને નાતે કોર્પોરેટરની ટીકીટ મળી છે. શ્રુચી શાહને પણ સંબધી હોવાને નાતે ટીકીટ મળી હતી.
તેવું જ ભૂમિબેન મહેતા, દર્શનાબેન પંચાલ, વૈદેહી સોનીને પણ આ પદાધિકારીએ વગ વાપરીને કોર્પોરેટરની ટીકીટ અપાવી વિજયી બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા.
દક્ષાબેન રાઠોડ પૂર્વ ધારાસભ્યના મિત્રના બહેન છે, તેઓ ગાંધીનગર રહે છે. તેમને પણ ટીકીટ મળી, હિરવાબેન સાધુને પણ ટીકીટ મળી હતી. આમ ભાજપના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરી દેવાયા છે અને મૂળ કોંગ્રેસીઓને ટીકીટ અપાઇ છે. જેના લીધે હિંમતનગરમાં કોંગ્રેસ મુકત ભારત બનાવવા નિકળેલ રાજકારણીઓ ભાજપને કોંગ્રેસ યુકત ભાજપ બનાવી રહ્યા છે.
હિંમતનગર તાલુકામાં અને શહેરમાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં તાલુકામાંથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી. જો આમ ચાલશે તો આવનારા સમયમાં મતદારો અને આમ પ્રજા હવે પછી યોજાનાર ચૂંટણીમાં કેવી રણનિતી અપનાવશે તે અંગે હાલના તબક્કે કંઇ પણ કહેવું વહેલું છે.
