પેટલાદના ૧૬૯ કેબીનધારકોની ધારાસભ્યને રજૂઆત
પાલિકાએ નોટીસ ફટકારતા કેબીન ધારકોમા આક્રોશ
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકા હદવિસ્તારના મુખ્ય રાજમાર્ગો ઉપરથી લારી, ગલ્લા, કેબીન, શેડ, કાચા – પાકા વગેરે દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યારસુધીમાં ૨૦૦ જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. જ્યારે ૧૬૯ જેટલા કેબીનધારકોને પાલિકાએ એક મહિનાના અલ્ટીમેટમ સાથે જગ્યા ખાલી કરવા નોટીસ ફટકારી છે. જેથી કેબીનધારકોમા ભારે આક્રોશ જાેવા મળે છે. આ કેબીનધારકોએ આજરોજ પેટલાદના ધારાસભ્ય સાથે બેઠક યોજી પોતાની આપવિતી રજૂ કરી હતી. જે અંગે ધારાસભ્યએ ચીફ ઓફિસર અને પીડબલ્યુડીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય અને ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી. જાે કે પાલિકા આ કેબીનો કોઈપણ ભોગે તોડી પાડી રસ્તા પહોળા કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી નડતરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે. આવા દબાણો લારી, ગલ્લા, કેબીન, શેડ વગેરે પુનઃ પ્રસ્થાપિત ના થાય તે માટે આજે બાર કલાકે ચીફ ઓફિસર સંજય રામાનુજ પાલિકાની ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા. જે લોકોએ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવાની બાંહેધરી આપી હોય અને દૂર ના થયા હોય તેવા દબાણો આજે હટાવવામાં આવ્યા હતા. ઉપરાંત છુટા છવાયા કેટલાક લારી ગલ્લા પુનઃ મૂળ જગ્યાએ ગોઠવાયા હોય તે પણ દૂર કરવામા આવ્યા હતા. ચીફ ઓફિસરની સતત વોચને કારણે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જેથી ૧૬૯ કેબીનો ધારકો પૈકી પચાસ જેટલા લોકો પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલની ઓફિસે રજૂઆત કરવા પહોચી ગયા હતા. આ પ્રભાવિત કેબીનો ધારકોએ આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી કે અમે છેલ્લા ૬૦ વર્ષથી આ જગ્યા ઉપર બેસીને રોજગારી મેળવીએ છે. જે તે સમયે આ જગ્યા પાલિકાએ જ અમને ભાડાપટ્ટે ફાળવી હતી. જેનુ નક્કી કરેલ ભાડું પાલિકામાં ભરીએ છે. પરંતુ જાે કોઈ કેબીનધારકોના બાકી ભાડા હશે તો તે ચૂકતે ભરવાની તૈયારી પણ બતાવી હતી. પરંતુ પાલિકાએ તો આ કેબીનોની જગ્યાનો ભાડાપટ્ટો રદ કરી જગ્યા ખાલી કરવાની નોટીસ મોકલી છે.
જાે અમે આ જગ્યા છોડી દઈએ તો અમારી રોજગારીનું શું ? અમારા બાળકોના અભ્યાસનું શું ? અમારા પરિવારના જીવન નિર્વાહનું શું ? અમે નાની મોટી બેંક લોન લીધી હોય તો એ કેવી રીતે ભરપાઈ કરી શકીએ ? આવા અનેક પ્રશ્નોની રજૂઆત કેબીનધારકોએ ધારાસભ્યને કરી હતી. જેના અનુસંધાનમાં ધારાસભ્યએ જરૂરી માહિતી મેળવી નગરપાલિકા અને પીડબલ્યુડીના અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપથી ગંજ સુધી જે કેબીનો છે તે રસ્તા પૈકી પાલિકાની જગ્યા ઉપર છે કે પોલીસ આવાસ નિગમની જગ્યામાં આવે છે એ કોયડો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ રેલ્વે જકાતનાકાથી ફાટક સુધીના કેબીનો પાલિકા કે રેલ્વે પૈકી કોની જમીન ઉપર છે તે મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.