શિયાળો જામ્યો, પરંતુ લગ્ન સીઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવ ફરી ઊંચકાયા
અમદાવાદ, રાજ્યમાં હાલ ઠંડી બરાબર જામી છે ત્યારે શિયાળામાં લીલાં શાકભાજીના ભાવમાં સામાન્ય રીતે ઘટાડો જાેવા મળવાના બદલે વધારો જાેવા મળી રહ્યો છે. એક તરફ શિયાળો જામ્યો છે તો બીજી તરફ લગ્નગાળો પણ પુરબહારમાં ખીલ્યો છે. લોકો શિયાળાની સીઝનમાં ઊંધિયાનો ભરપૂર સ્વાદ માણે છે.
નાના-મોટા શુભ પ્રસંગ હોય, કીટી પાર્ટી હોય કે લગ્નનો જમણવાર હોય તો મેનુમાં ઊંધિયાનો સમાવેશ થાય છે. હવે શહેરમાં લગ્નની ભરમાર છે ત્યારે અમદાવાદના હોલસેલ બજારમાં આવતાં શાકભાજીની માગનું પ્રમાણ અનેકગણું વધ્યું છે, જેના કારણે કમુરતા બાદ એટલે કે ૧૫ જાન્યુઆરી પછી શાકભાજીના ભાવ વધ્યા છે. ખાસ કરીને પાપડી, ગાજર, તુવેર, વાલોળ અને રવૈયાંના ભાવમાં તેજી છે. આ શાકભાજીનો ઉપાડ અનેકગણો વધ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે.
આ વર્ષે પણ ભાવમાં ઘટાડો થયો હતો. બે સપ્તાહ પૂર્વે શાકભાજી એવરેજ ૩૦ રૂપિયામાં કિલો વેચાઈ રહ્યાં હતાં. દૂધી-ફુલેવર અને કોબીજ નંગ રૂ.૫થી ૧૦માં વેચાઈ રહ્યાં હતાં, પરંતુ કમુરતાં ઊતરતાં જ અચાનક લીલાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. શિયાળામાં બોનફાયરની સાથે ઊંધિયા અને પોંકની પાર્ટીનું આયોજન મોટા પ્રમાણમાં થાય છે.
હાલમાં વધઉ પ્રમાણમાં પડેલી ઠંડીના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતનાં સીઝનલ લીલાં શાકભાજી મોંઘા થઈ ગયાં છે, સાથે-સાથે મનપસંદ ઊંધિયું બનાવવા માટેનાં અન્ય મુખ્ય શાકભાજીના ભાવ વધી ગયા છે. એકમાત્ર ટામેટાંની માર્કેટમાં ચિક્કાર આવક છે, જેના કારણે છેલ્લા એક માસથી ટામેટાં રૂ.૧૫નાં કિલો વેચાઈ રહ્યાં છે. શાકભાજીના વેપારીના જણાવ્યા અનુસાર શિયાળો અને લગ્નની સીઝનના કારણે શાકભાજીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.