ગોદરેજ ગાર્ડન સિટીના ફ્લેટમાં સૌથી પહેલા રસોડામાં નહીં બેડરૂમમાં લાગી હતી આગ
(એજન્સી) અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં એક ૩૭ વર્ષીય મહિલાના મૃત્યુનો કેસ ગૂંચવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સામે આવેલી જાણકારી અનુસાર માનવામાં આવી રહ્યુ હતું કે મહિલાએ ગેસની પાઈપ નીકાળી લીધી હતી જેના કારણે આગ લાગી હતી.
પરંતુ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, સૌથી પહેલા આગ રસોડામાં નહીં પણ બેડરૂમમાં લાગી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ સવારના સમયે ઠંડા નાસ્તાને કારણે પતિ-પત્ની અનિતા બઘેલ અને અનિલ બઘેલ વચ્ચે લડાઈ થઈ હતી. લડાઈ એટલી આગળ વધી ગઈ કે અનિતા બઘેલનું નિધન થયું,
અનિલ બઘેલ ઈજાગ્રસ્ત છે અને ઘરમાં પણ આગ લાગી ગઈ. ઈજાગ્રસ્ત અનિલ બઘેલે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અનિતાએ તેને નાસ્તામાં ઠંડી બ્રેડ આપી હતી જેના કારણે લડાઈ થઈ હતી. જ્યારે મેં બ્રેડ બાબતે નારાજગી વ્યક્ત કરી તો તેને ખોટું લાગી ગયું અને તેણે છરીથી મારા પર હુમલો કર્યો.
અનિલના જણાવ્યા અનુસાર, જ્યારે મેં તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે પહેલા પોતાની જાતને એકપછી એક અનેકવાર છરીથી ઘા કર્યા અને પછી પીએનજીનો પાઈપ નીકાળી દીધો.
આટલુ જ નહીં, આગ લાગે તે માટે તેણે લાઈટરથી સ્પાર્ક પણ કર્યો હતો. અનિલ જણાવે છે કે, મેં તેને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ હું સફળ નહોતો રહ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ બઘેલ સતત પોતાના નિવેદન બદલી રહ્યો છે. તેણે જણાવ્યું કે અનિતાએ રસોડામાં આગ સળગાવી હતી, પરંતુ ફોરેન્સિક તપાસ અનુસાર આગની શરુઆત બેડરુમથી થઈ હતી.
આ ઘટના સાથે સંકળાયેલ એક પોલીસ અધિકારી જણાવે છે કે, અનિલ બઘેલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમારી પાસે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જે અનુસાર અનિતાનું નિધન ગૂંગળામણને કારણે થયું છે. તેના ગળામાં છરીના નિશાન છે.
આટલુ જ નહીં, હાથ પર ઈજાના જૂના નિશાન પણ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અનિલની સારવાર ચાલી રહી છે. ચાંદખેડાના વી.એસ. વણઝારા જણાવે છે કે, અનિતાના માતા-પિતાએ અનિલ વિરુદ્ધ કોઈ આરોપ નથી મૂક્યા વી બ્લોકમાં રહેતા તેમના પાડોશીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારના રોજ સવારે લગભગ ૮.૪૦ની આસપાસ લડાઈ શરુ થઈ હતી.