Western Times News

Gujarati News

પુરાવા નષ્ટ કરવા આરોપીઓએ કેનાલમાં કોમ્પ્યુટર ફેંક્યું

અમદાવાદ, દેશ-દુનિયામાં ચકચારી મચાવનારા ડિંગુચા કેસની મહત્વની કડીઓ શોધવા શહેર ક્રાઈમ બ્રાંચ નર્મદા કેનાલ સુધી પહોંચી છે. ૧૦ મહિના પહેલા ગાંધીનગરમાં આવેલી નર્મદા કેનાલમાં આરોપીઓ દ્વારા કમ્પ્યૂટરનું સીપીયુ ફેંકી દેવાયું હતું.

તેમાં મહત્વની વિગતો હોવાની પોલીસને આશંકા છે. ડિંગુચા કેસમાં પકડાયેલા યોગેશ પટેલના કમ્પ્યૂટરનું આ સીપીયુ છે. માર્ચ ૨૦૨૨માં તેના સાગરીતે સીપીયુને નર્મદા કેનાલમાં ફેંકી દીધું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી એક અખબારને જાણવા મળ્યું છે કે,

સીઆઈડી ક્રાઈમની ટીમે ડિંગુચા કેસમાં તપાસ શરૂ કરતાં વસ્ત્રાપુરના રહેવાસી યોગેશ પટેલે પુરાવાનો નષ્ટ કરવા માટે તેના સાગરીતને આ સીપીયુ સગેવગે કરી નાખવાનું કીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯ જાન્યુઆરીએ ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યો- જગદીશ પટેલ, પત્ની વૈશાલી, બે બાળકો વિહંગી અને ધાર્મિકના કેનેડા-યુએસ બોર્ડર પર થીજી જવાના કારણે મોત થયા હતા.

પટેલ પરિવારના ચાર સભ્યોના મોત બાદ ગુજરાત પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. શહેર ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં જ યોગેશ પટેલ અને તેના સાગરીત ભાવેશ પટેલ (ગાંધીનગરના કલોલનો રહેવાસી)ની ધરપકડ કરી હતી. આ બંને સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પૂછપરછ દરમિયાન યોગેશે વસ્ત્રાપુરમાં આવેલી પોતાની ઓફિસમાંથી સીપીયુ ફેંકી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો.
અમે ગાંધીનગરમાં આવેલી નર્મદા કેનાલમાં સીપીયુ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સીપીયુ શોધવા અમે ડાઈવર્સની મદદ લઈશું. સીપીયુમાં રહેલી ફાઈલોને પાછી મેળવવા માટે અમે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લઈશું”, તેમ ક્રાઈમ બ્રાંચના એક ઓફિસરે જણાવ્યું.

ક્રાઈમ બ્રાંચમાં રહેલા સૂત્રોનું કહેવું છે કે, ડિંગુચાના ચાર સભ્યોના પરિવાર સાથે અન્ય સાત લોકો પણ વિદ્યાર્થી બનીને કેનેડા ગયા હતા. તેમના પણ નકલી દસ્તાવેજાે યોગેશે તૈયાર કર્યા હતા. કથિત રીતે યોગેશે ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટો તેમજ  IELTS (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ) અને CELPIP (કેનેડિયન ઈંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ઈન્ડેક્સ પ્રોગ્રામ)ના સર્ટિફિકેટ બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.