Western Times News

Gujarati News

દરેક પોલીસ સ્ટેશનના પાંચ પાંચ કર્મીઓને ડ્રોન ચલાવવાની તાલીમ અપાશે

અમદાવાદના પોલીસ કર્મીઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ખાસ ડ્રોન સ્કવોડની ટ્રેનિંગ લીધી

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેનિંગ લીધી છે. જે ટ્રેનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું કે, ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં સુરક્ષા માટે રહેતી હોય છે. કેમ કે ગુજરાતએ પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે. અમદાવાદની રથયાત્રાનો બંદોબસ્ત એ રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત મનાય છે.

આ રથયાત્રા અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે, ત્યારે ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે.

જેના થકી સર્ટિફાઇડ ડ્રોન હવે પોલીસ વાપરી શકશે અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ પાંચ પોલીસ કર્મીઓને ડ્રોન ચલાવવાની ખાસ તાલીમ આપવામાં આવશે.

ડ્રોનની ખાસ ટ્રેનિંગ લેનાર ડ્રોન સ્કવોડના પોલીસ કર્મી જયપાલસિંહે કહ્યું કે, વર્ષ 2021માં કાયદો આવ્યા બાદ ડ્રોન કેવી રીતે ઉડાડી શકાય, ક્યાં ઉડાડી શકાય , ક્યાં ઉતારી શકાય એવી અનેક પ્રકારની તાલીમ આ ટ્રેનિંગમાં આપવામાં આવે છે.

અમે ૧૦ દિવસની ખાસ ટ્રેનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં લીધી હતી. પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અમને આ ખાસ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.