૮ વર્ષ પછી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ૯.૫૦ લાખ ઉમેદવારો તૈયાર હતા
આ પરીક્ષામાં બંદોબસ્ત માટે ૯૦૦થી વધારે હથિયારધારી પોલીસમેન રાખવાના હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ ખડેપગે રહેવાની હતી.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય તે પહેલાં જ પેપર ફૂટતા જ લગભગ ૯.૫૦ લાખ ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સરકાર હવે ક્યારે પરીક્ષા લેશે અને તે વખતે પણ બધું વ્યવસ્થિત હશે કે નહીં તે એક સવાલ છે.
મહત્ત્વની વાત એ છે કે છેક આઠ વર્ષ પછી આ પરીક્ષા લેવાઈ રહી હતી. જુનિયર ક્લાર્કની લગભગ ૧૧૮૦ જગ્યાઓ માટે લાખો ઉમેદવારો વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા અને હવે તેમને ફટકો પડ્યો છે. સરકારી જાેબની એટલી બધી ડિમાન્ડ છે કે વર્ગ – ૩ના કારકુન બનવા માટે એક -એક પોસ્ટ માટે લગભગ ૮૦૦ ઉમેદવારો હરીફાઈમાં હતા.
જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાય તે અગાઉ સરકાર તરફથી એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતની પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય તે માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૯૯૫ પરીક્ષાકેન્દ્રો પર લગભગ ૩૧,૮૦૦ વર્ગખંડમાં આ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ મોટી પરીક્ષા હતી. આ માટે મુખ્ય સચિવે તમામ જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે બેઠક યોજી હતી. ગીર સોમનાથને બાદ કરતા બાકીના તમામ જિલ્લામાં પરીક્ષા યોજાવાની હતી અને તેમાં એવો બંદોબસ્ત થવાનો હતો કે કોઈ ગરબડ થઈ ન શકે. પરંતુ પરીક્ષા કેન્દ્રના બદલે પેપર જ્યાંથી પ્રિન્ટ થતું હતું ત્યાં જ ગોટાળો થઈ ગયો.
પરીક્ષામાં ઉમેદવારોને પેન, કોલ લેટર અને આઈકાર્ડ સિવાય બીજી કોઈ પણ ચીજ લાવવાની મનાઈ હતી. ઠેકઠેકાણે સીસીટીવી ગોઠવવામાં આવ્યા હતા. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજીકા કચરિયાએ કહ્યું કે પરીક્ષાર્થીઓ કોઈ અફવા પર ધ્યાન ન આપે અને પરીક્ષા પર ફોકસ કરે.
આ પરીક્ષામાં બંદોબસ્ત માટે ૯૦૦થી વધારે હથિયારધારી પોલીસમેન રાખવાના હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ ખડેપગે રહેવાની હતી. પરંતુ આ બધાનું સુરસુરિયું થઈ ગયું.
ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા ગંભીર છે અને લાખો યુવાનો સ્થિર જીવન માટે સરકારી નોકરીની આકાંક્ષા રાખતા હોય છે. સરકારી જાેબને જીવનનો લક્ષ્ય બનાવ્યો હોય તેમના માટે આ બહુ મુશ્કેલ સમય છે. એક-એક ખાલી જગ્યા માટે જ્યારે ૮૦૦ ઉમેદવારો હરીફાઈમાં હોય ત્યારે કોમ્પિટિશન કેટલી ટફ છે તેનો અંદાજ આવે છે.
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ સીટ સાથે જંગી બહુમતીથી વિજય મેળવ્યો ત્યાર પછી હવે સરકારી જાેબમાં મોટા પાયે ભરતી શરૂ થશે તેવી આશા બંધાઈ હતી.