Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જુનિયર ક્લાર્કની રદ્દ કરાયેલી પરીક્ષા આગામી ૧૦૦ દિવસમાં યોજાશે

નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીએ જણાવ્યું કે, પેપર લીકના કેસમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ગેંગ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્લાન સાથે આ ગેંગ કામ કરતી હોવાનું જાણવા મળી રહ્યું હોવાનું પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યુ કે, પોલીસે ૨૯મીની વહેલી સવારે તપાસ કરતા એક આરોપી પાસેથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મળી આવ્યું હતું. જે બાદ તપાસ કરીને ૧૫ લોકોને પકડી લેવામાં આવ્યા છે.

વધુમાં જણાવવામાં આવ્યું કે, પોલીસ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી હતી. જેના કારણે ગુનો બને તે પહેલા જ આ કૃત્યમાં સંકળાયેલા ૧૫ જેટલા શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. આ સાથે આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.

મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ના થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક ર્નિણય લઈને સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો ર્નિણય મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું કે મોકૂફ રાખાયેલી પરીક્ષા આગામી ૧૦૦ દિવસમાં યોજવામાં આવશે. રાજ્યમાં યોજાનારી અન્ય પરીક્ષાઓ, શાળા-કૉલેજની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

પરીક્ષાના ગણતરીના કલાકોમાં પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ પરીક્ષા રદ્દ કરવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો હોવાનું પંચાયત પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવે જ્યારે પરીક્ષા યોજાશે ત્યારે ઉમેદવારો પોતાનો કોલ લેટર દર્શાવીને ગુજરાત એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે મંડળ દ્વારા ૫ વર્ષમાં ૨૧ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે ૪૧ પંચાયતના વિવિધ વિભાગોમાં ૩૦ લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક યોજવામાં આવી છે. જેમાં ઉમેદવારોની પાર્દર્શક રીતે પસંદગી કરવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers