મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો
મુખ્યમંત્રી ના હસ્તે ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન
(માહિતી) અમદાવાદ, અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ ગૌરવ અને સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં દરેક સમાજને રાજ્યના વિકાસમાં જાેડીને જનભાગીદારીની સંસ્કૃતિ વિકસાવી છે. જેના પરિણામે દરેક સમાજનો સરકાર પર ભરોસો વધ્યો છે. ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે થઈ રહેલા કાર્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના દરેક ભાગમાં આપણી સંસ્કૃતિનું એક પ્રકારે પુનઃસ્થાપન થઈ રહ્યું છે. ઉત્તર ભાગમાં કેદારનાથધામમાં આદિ શંકરાચાર્યની પ્રતિમા સ્થપાઈ, કાશીવિશ્વનાથ કોરિડોરનું નિર્માણ, પૂર્વ ભાગમાં જગન્નાથ કોરિડોર, પશ્ચિમ ભાગમાં સોમનાથને સુવર્ણજડિત કરવાનું અને મધ્યમાં મહાકાલ લોકનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત સમગ્ર હિંદુ સમાજના આસ્થાના પ્રતિક સમાન રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આમ દેશના ભાગમાં આપણી સંસ્કૃતિને ભવ્ય દિવ્ય બનાવવાનું કામ થઈ રહ્યું છે.
અમદાવાદની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ગૌરવયાત્રા અને સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, બ્રહ્મ સમાજ ભારતીય સંસ્કૃતિનો અનન્ય વાહક છે. તેમણે કહ્યું કે, ભારતીય સભ્યતા પરંપરાના સંવર્ધનમાં બ્રહ્મ સમાજનું અનેરૂ યોગદાન છે. ગુરૂ-શિષ્યની પરંપરા અને સ્મૃતિ દ્વારા શ્રુતિઓની જાણવણી બ્રહ્મ સમાજે કરી છે. આ તકે સન્માનિત થનાર તમામને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ’વસુધૈવ કુટુમ્બકમ’ના ભારતીય વિચારને સ્વીકારી રહ્યું છે. આજે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે. અમૃતકાળમાં ભારતે બે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને બીજું ય્ ૨૦ યજમાનીનો અવસર મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પાંચ મંત્રો આપ્યા છે. જેમાં વિકસીત ભારતનું નિર્માણ, ગુલામીની માનસિકતામાંથી બહાર આવવું, વિરાસતોનું જતન,એકતા,કર્તવ્યપરાયણ નાગરિકોનું નિર્માણ કરવાનો આપણો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે, સમાજ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણનો આપણો સંકલ્પ છે. ભારતની પ્રગતિ માટે વડાપ્રધાન શ્રીએ આર્ત્મનિભરતાનો મંત્ર આપ્યો છે. ત્યારે આર્ત્મનિભર ગુજરાત દ્વારા આપણે આર્ત્મનિભર ભારતનું નિર્માણ કરવાનું છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઇ ઠાકર, મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમીબેન ઉપાધ્યાય, અમદાવાદ મનપાના શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ અને બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.