Western Times News

Gujarati News

દ્વારકામાં અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનો રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ

વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાય : આચાર્ય દેવવ્રતજી

(માહિતી) અમદાવાદ, દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાયને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવવા તેની નસલ સુધારણા માટે પ્રયોગો અને પ્રયત્નો કરવા પડશે. વાછરડાને બદલે વાછરડી જન્મે એ માટે સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજી અપનાવવી પડશે અને દેશી ગાય અનિવાર્ય હોવાથી વધુને વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી પડશે. દ્વારકામાં અતિ આધુનિક શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાનવીરો અને ગૌ સેવકોને આ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે, ગુજરાત ધર્માત્મા અને ભલા લોકોની ભૂમિ છે, એટલે અહીં ઠેર ઠેર ગૌશાળા અને પાંજરાપોળ છે, જ્યાં ગૌસેવકો-યુવાનો પોતાના વડીલોની, મા-બાપની સેવા કરતા હોય એવા ભાવથી પશુઓની સેવા કરે છે. ગાયોની સારવાર માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ સાધનો, એમ્બ્યુલન્સ અને એરકન્ડિશન્ડ શેડની સુવિધા ધરાવતી અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, અંગ ભંગ થયેલી, વૃદ્ધ અને અશક્ત ગાયોને ગૌશાળા-પાંજરાપોળમાં રાખીએ સાથોસાથ ગાયો વિશેષ લાભકારી બને એ માટે તેની નસલ સુધારવા પ્રયત્નો પણ કરીએ. જેમ મા-બાપને પણ કમાઉ દીકરો વધારે ગમે તેમ ગાય પણ વધારે દૂધ આપતી થશે તો તેનું મૂલ્ય ચોક્કસ વધશે. દરેક પાંજરાપોળમાં એક શાખા એવી હોય જ્યાં ગાયની બ્રીડ સુધારવા પ્રયત્નો અને પ્રયોગો થતા હોય.

આજકાલ ખેતી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ છે, બળદોનો ઉપયોગ રહ્યો નથી એટલે તે બિનવારસી ફરે છે. પાંજરાપોળ-ગૌશાળામાં પણ બળદોની સંખ્યા વધુ હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા પશુપાલકોએ એમ્બ્રિયો કલ્ચર અને સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ટેકનોલોજીના ઉપયોગથી વાછરડીનો જન્મદર વધશે. વાછરડીયો વધુ જન્મશે, એટલું જ નહીં એની નસલ પણ વધુ ઉન્નત થશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી પ્રાકૃતિક ખેતીનું મહા અભ્યાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર પોણા બે લાખ ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે રૂપિયા ૯૦૦ ની સહાય આપે છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે, એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે તો એક પણ ગાય સડકો પર નહીં દેખાય.

ગુજરાતમાં ડાંગ જિલ્લો સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો થયો છે, ત્યાં ડાંગી ગાયનું મૂલ્ય બમણું થઈ ગયું છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવશે તેમને ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓમાંથી નિશુલ્ક ગાય આપવાનું પણ આયોજન થઈ રહ્યું છે, એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

જન્મદાત્રી મા તો આપણને જન્મ પછી એક-દોઢ વર્ષ દૂધ પીવડાવે છે, પણ ગૌમાતા તો આપણે જીવીએ ત્યાં સુધી અમૃતતૂલ્ય દૂધ આપે છે. એટલું જ નહીં, અમૂલ્ય ગૌમૂત્ર અને ગોબર પણ આપે છે. માઈક્રોબાયોલોજીના નિષ્ણાતો ગૌમૂત્ર અને ગોબર પર સંશોધનો કરી રહ્યા છે. ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી કરાતી પ્રાકૃતિક ખેતીથી ખેડૂતનો ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે, આવક વધશે અને જમીનની ફળદ્રુપતા પણ વધશે. અનાજ, પાણી અને પર્યાવરણ સુધરશે. આ રીતે ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન પણ થશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાના સંચાલકો-દાતાઓ અને ગૌ સેવકોને અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.