ભરૂચની ૨૭ શાળાના ૩૦૦૦ બાળકોએ ૧૦૦૦ કિલો દોરા એકત્ર કરી ટ્રસ્ટને આપ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ૨૭ શાળાના ૩૦૦૦ બાળકોએ ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએ રહેલા ૧૦૦૦ કિલો દોરા એકત્ર કરી સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા.જે દોરાને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે નિકાલ કરવામાં આવનાર છે. ભરૂચની સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી જાેખમી પતંગના દોરા ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે.સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને બીજીપી ગ્રુપ દ્વારા આ વખતે ભરૂચની ૨૭ શાળામાં આ અભિયાન હાથ ધરાયુ હતું.
સંસ્થાના પ્રમુખ હેતલ પટેલ,કાર્યકર રાહુલ વાઘેલા સહિતના અન્ય કાર્યકરો અને વિવિધ ૨૭ શાળાના ૩૦૦૦ બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક ૯૦૦ થી ૧૦૦૦ કિલો પતંગના વિવિધ દોરાઓ જાહેરમાર્ગો,સોસાયટીઓ,શેરીઓ અને મહોલ્લા સહિત વિવિધ જાહેર સ્થળોએથી એકત્ર કર્યા હતા અને ઠેલાઓમાં પેક કરી સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા.
જે પતંગના દોરા અને ચાઈનીઝ દોરાથી પર્યાવરણને નુકશાન ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવામાં આવનાર હોવાનું ટ્રસ્ટના કાર્યકર રાહુલ વાઘેલાએ જણાવ્યુ હતુ. ૧૦ કિલો દોરા એકત્ર કરનાર શાળાઓને ટ્રોફી તેમજ આ અભિયાનમાં જાેડાયેલા બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.તો સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કરુણા અભિયાન,જીવદયા પ્રેમી સહિતનું સેવાકીય કાર્ય પણ કરી રહી છે.