Western Times News

Gujarati News

ખાનગી મકાનમાં ઓફિસ શરૂ કરવા બાબતે પાંચ ગામના ગ્રામજનો તથા ખેડૂતોએ વિરોધ કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, જીએમડીસી દ્વારા પડવાણીયા ગ્રામ પંચાયત પાસે મહેસુલી અભિપ્રાય માંગવામાં આવેલ જે બાબતે પંચાયત દ્વારા જમીન સંપાદન ન થાય તેવો ઠરાવ કરેલ તેમ છતાં સંપાદનની કામગીરી શરૂ કરવા ખાનગી મકાનમાં જીએમડીસી નિગમની ઓફિસ શરૂ કરતા પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર અપાયું છે. પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાંચ જેટલા ગ્રામજનોએ આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જીએમડીસી દ્વારા પડવાણીયા ખાતે સંભવિત જમીન સંપાદન કરવાના હેતુ માટે ખાનગી જમીનમાં ઓફિસ ભાડે રાખવામાં આવતા પડવાણીયા, ડમલાઈ, દરિયા, પીપળીપાન તથા ગુલીયા ફરિયાના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા ઉપસ્થિત રહી વિરોધ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું છે.

ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ કાર્યરત છે અને હાલ નવો પ્રોજેક્ટ મોજે આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણીયા અને શિયાલી જિલ્લો ભરૂચના વિવિધ સર્વે બ્લોક નંબરોમાં કુલ ૧૪૦૦ હેક્ટર આરે ચોરસ મીટર વિસ્તારમાં લિગ્નાઈટ ખનીજની માઈનિંગ લીઝ માટે તા. ૫.૨.૨૨ ના રોજ કલેકટર તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા આ અરજી અનુસંધાને પ્રોજેક્ટ માટે મહેસુલી અભિપ્રાય આપવા પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે માંગણી કરેલ હતી.

આ માગણી સંદર્ભે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ જમીન સંપાદન ન થાય તેવો તા.૨૫.૨.૨૨ ના રોજ ઠરાવ કરવામાં આવેલ હતો. સરકારના નિયમ મુજબ તા.૨૧.૧૨.૨૨ ના રોજ પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા રાખવામાં આવેલી, પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ કે જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ન થાય તેવો સર્વાનુંમતે ઠરાવ કરવામાં આવેલ હતો, પડવાણીયા ગામે હાલમાં જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા ગામના જ એક ઈસમના ખાનગી મકાનમાં ઓફિસ શરૂ કરવામાં આવી છે.

જે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવી છે.જે બંધારણની અનુસૂચિ પાંચ તથા અનુસૂચિત છ માં આવતા વિસ્તાર હોવાથી ગ્રામસભા કે ગ્રુપ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વગર તથા તેમને વિશ્વાસમાં લીધા વગર તથા સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર ઓફિસ શરૂ કરવામાં આવી છે અને તેમાં જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવે છે.જે જીએમડીસી રાજપારડી લીગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા પહેલો હુમલો આદિવાસી સમાજ અને પ્રકૃતિ પર થઈ રહેલો છે જે દુઃખદ બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.