Western Times News

Gujarati News

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ

ગાંધીનગર, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થવા પામ્યો છે. કમોસમી વરસાદ પડવાથી ખેતરમાં રહેલ શિયાળુ પાકને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું. કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું.

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કૃષિ વિભાગ દ્વારા જ્યાં માવઠું પડ્યું તે વિસ્તારોમાંથી નુકશાનીનો રિપોર્ટ મંગાવ્યો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતનો તાત ચિંતીત બન્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ ચોખ્ખુ થાય ત્યારે રિપોર્ટ મોકલવાનો રહેશે. રાજ્યમાં ૨ લાખ ૫૭ હજાર હેક્ટર વિસ્તારમાં જીરૂનું વાવેતર કરેલ છે. અન્ય પાકોમાં નુકશાનીનો રિપોર્ટ પણ આપવો પડશે.રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જાેઇએ તથા રોગની રાહ જાેયા સિવાય મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૩૦ ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૨૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૫ મિલિ ૧૦ લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/ પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.